મીઠીરોહરમાં આધેડે બીમારીથી કંટાળી જઇ જાતે જીવ ટૂંકાવ્યો

ગાંધીધામ, તા. 6 : તાલુકાના મીઠીરોહરમાં રહેનાર અરજણ પરબત બાબરિયા (ઉ.વ. 49)નામના આધેડે બીમારીથી કંટાળી ગળે ફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો. બીજી બાજુ શહેરનાં ગોપાલપુરીની હોસ્પિટલમાં ચક્કર આવતાં મંજુલાબેન હીરજી ભર્યા (ઉ.વ. 32)નું મોત થયું હતું. મીઠીરોહરમાં રહેનારા અરજણભાઇને બે અસાધ્ય બીમારી હતી. જેની દવા રાજકોટથી ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ બે બીમારીથી કંટાળી આધેડે આજે સવારે અંતિમ પગલું ભરી લીધું હતું. તે પોતાના ઘરે હતા ત્યારે પંખામાં દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ પોતાના જીવનો અંત આણ્યો હતો. શહેરનાં સેકટર-6માં રહેનારાં મંજુલાબેન ભર્યા ગોપાલપુરીમાં હોસ્પિટલ ઉપર આવેલી કચેરીમાં નોકરી કરતાં હતાં. કચેરીમાં તેઓ આજે બપોરે હાજર હતાં ત્યારે તેમને અચાનક ચક્કર આવતાં સારવાર માટે લઇ જવાયાં હતાં. જ્યાં ફરજ પરના તબીબે આ મહિલાને મૃત જાહેર કર્યાં હતાં. તેમનું મોત ખરેખર કેવા કારણોસર થયું છે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer