લઠેડી સીમમાં ગૌચર સહિતનું દબાણ નહીં હટે તો સુપ્રીમ કોર્ટમાં જવાની ચેતવણી

મુંબઇ, તા. 7 : અબડાસા તાલુકાના લઠેડી ગામની મહેસૂલી સીમમાં હજારો એકર ગૌચર, સરકારી પડતર, નદી, તળાવડીઓ અને તળાવની આવ ઉપર મોટા પાયે દબાણ કરીને એ જમીન ઉપર વાવેતર કરનારાઓ વિરુદ્ધ વહેલામાં વહેલી તકે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, કબ્જા હેઠળની જમીન મુક્ત કરવામાં આવે અન્યથા સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવવામાં આવશે એવી ચીમકી રાષ્ટ્ર રક્ષક જનમંચે કચ્છના કલેકટરને અને ગુજરાત સરકારને આપી છે. જનમંચના પ્રમુખ અને મૂળ લઠેડી ગામના રહેવાસી રમેશ જોશીએ જણાવ્યું હતું કે લઠેડીની ગૌચર અને સરકારી જમીન છે પરંતુ એ ગામની બાજુમાં આવેલા ગામ છછી, ધુવઇ, સાંધાણ, ડુમરા, વિઢ અને મોડકૂબાના અનેક કબ્જેદારોએ એ જમીન ઉપર કબ્જો કરીને અને એ જમીનને વાવણીલાયક બનાવીને એ હજારો એકર જમીન ઉપર તેઓએ દબાણ કર્યું છે. દબાણ અને કબ્જા વિરુદ્ધ લઠેડીના ગામજનોએ સ્થાનિક તંત્ર પાસે વારંવાર રજૂઆતો અને ફરિયાદો કરી છે, પરંતુ ગ્રામજનોની ફરિયાદો પ્રતે સ્થાનિક તંત્ર આખ આડા કાન કરે છે. ગૌચર અને સરકારી પડતર જમીન દબાણ મામલે પંજાબના એક ખેડૂતે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જે અરજીની પ્રાથમિક સુનાવણી કર્યા બાદ સોગંદનામા દાખલ કરવાનો આદેશ સુપ્રીમ કોર્ટે દેશના તમામ રાજ્યોના મુખ્ય સચિવોને આપ્યો હતો ત્યારે આ દબાણ મામલે તથા કબ્જા મામલે કલેકટર - ગુજરાત સરકાર માસ ત્રણમાં જો કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો લઠેડી ગામના રહેવાસીઓ અને જનમંચ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવશે એવી અંતિમ ચેતવણી તેમણે આપી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer