ભવાનીપુર-ધમડકા વાડીવિસ્તારમાં પાલક પિતાએ જ પુત્રી ઉપર કરેલો બળાત્કાર

ગાંધીધામ, તા. 6 : અંજાર તાલુકાના ભવાનીપુર તથા ધમડકાના વાડીવિસ્તારમાં એક પાલક પિતાએ પોતાની 15 વર્ષીય સાવકી દીકરી ઉપર વારંવાર બળાત્કાર ગુજારતાં ભારે ચકચાર પ્રસરી હતી. ભુજ તાલુકાના એક ગામમાં પંચમહાલનું દંપતી ખેતમજૂરી કરતું હતું ત્યારે 15 વર્ષ પહેલાં આ મહિલા ગર્ભવતી બની હતી. આ મહિલા પોતાના પતિને મૂકીને પોતાની જ જ્ઞાતિના અન્ય પુરુષ સાથે રહેવા લાગી હતી, ત્યારે આ મહિલાએ હાલની ભોગ બનનારી કિશોરીને જન્મ આપ્યો હતો. એકાદ-બે વર્ષ સુધી આ મહિલા અને આ શખ્સ સાથે રહ્યા બાદ મહિલા ફરીથી કયાંક ચાલી ગઈ હતી, જ્યારે તેણે જે કિશોરીને જન્મ આપ્યો હતો તે પાલક પિતા પાસે જ રહી હતી. બાદમાં આ કિશોરીના પિતાએ કિશોરીની માસી સાથે લગ્ન કરી લીધાં હતાં. આ ભોગ બનનારી કિશોરી પોતાના અન્ય ભાઈ - બહેનો તથા પાલક પિતા અને પોતાની માસી એવી મા સાથે ભવાનીપુરમાં રહેતી હતી. આ પરિવાર કપાસની ખેતીનું કામ કરતો હતો. એક દિવસ 15 વર્ષીય કિશોરીના અન્ય ભાઈ, બહેનો, માસી વગેરે ખેતીનું કામ કરતાં હતા ત્યારે  તેનો પાલક પિતા ઓરડીમાં આવ્યો હતો. તેણે પોતાની સાવકી દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી તેના ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં આ સિલસિલો ચાલુ જ રહ્યો હતો. અહીં ભવાનીપુરમાં ખેતીનું કામ પૂરું થતાં ધમડકાની એક વાડીએ આ પરિવાર રહેવા ચાલ્યો ગયા હતો. ત્યાં પણ એકલતાનો લાભ લઈ આ હવસખોર પિતા પોતાની સાવકી દીકરીને પીંખી નાખતો હતો. દરમ્યાન વાડી માલિકને આ વાતની જાણ થતાં તેણે આ પરિવારને હાંકી કાઢ્યો હતો. આ હવસખોર શખ્સ પોતાના વતનમાં ચાલ્યો ગયો હતો અને કિશોરીની માસીએ કિશોરીને પોતાના સગાને ત્યાં મોકલાવી દીધી હતી. ભોગ બનનારી આ કિશોરીએ પોતાના કાકા અને અન્યોને આપવીતી કહેતાં સૌ કોઈ હચમચી ઊઠયા હતા. કિશોરીને પંચમહાલના મોરવા હડફના બમાણા પોલીસ મથકે લઈ જવાઈ હતી. જ્યાં આ બનાવ અંગે ફરિયાદ નોંધાઈ હતી અને દુધઈ પોલીસ મથકે ફરિયાદ ઝીરો નંબરથી મોકલવી દેવામાં આવી હતી. આ ફરિયાદ બાદ પોલીસે હવસખોર પિતાને પકડી પાડયો હતો. આવા જઘન્ય બનાવને પગલે ભારે ચકચાર પ્રસરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer