ભુજના બીએસએફ કેમ્પમાં સફાઇ કામદારનું ઊલટી બાદ મોતથી ફફડાટ

ભુજ, તા. 6 : શહેરના કોડકી રોડ સ્થિત સીમા સુરક્ષાદળના કેમ્પમાં સફાઇની કામગીરી કરતા મૂળ મિજોરમના જપલગ ગામના 41 વર્ષીય લાલમા મછવાના થનલાયાને ગઇકાલે અચાનક ઊલટી આવ્યા બાદ મોતથી ફફડાટ વ્યાપ્યો છે. એ-ડિવિઝન પોલીસ મથક અને જી. કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાંથી પ્રાપ્ત વિગતો મુજબ બીએસએફ કેમ્પમાં સફાઇનું કામ કરતા એવા હતભાગી લાલમાને ગઇકાલે રાત્રે ઊલટી થતાં તેને સારવાર માટે શહેરની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ ફરજ પરના તબીબે તપાસતાં તેને મૃત જાહેર કર્યા હતા. આમ, ભેદી સંજોગોમાં મોત થતાં ફફડાટ વ્યાપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસોથી બીએસએફના અનેક જવાનો કોરોનામાં સપડાયા છે ત્યારે આવી સ્થિતિ વચ્ચે આમ અચાનક મોત થતાં કોરોનાના ચેપ અંગેની શંકા-કુશંકા સાથે ફફડાટ વ્યાપ્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer