પરિવારને અગાસી પર સૂતો રાખી ગળપાદરમાં 49 હજારની તસ્કરી

ગાંધીધામ, તા. 6 : તાલુકાના ગળપાદર ગામમાં આવેલી કન્યાશાળાની સામે એક બંધ ઘરના નકુચા તોડી નિશાચરોએ તેમાંથી સોના, ચાંદીના દાગીના અને રોકડ રકમ એમ કુલ રૂા. 49,250નો હાથ માર્યો હતો. ગળપાદરની કન્યાશાળા સામે રહેતા ઘનશ્યામસિંહ ખેંગારજી જાડેજા નામના આધેડ શાકભાજીનો વેપાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ આધેડ અને તેમનો પરિવાર ગત રાત્રે પોતાના ઘરની છત ઉપર સૂતો હતો અને નીચે મકાનને તાળું માર્યું હતું. વહેલી સવારે ઊઠીને આ ફરિયાદી નીચે આવતાં પોતાના મકાનના દરવાજાનો નકુચો તૂટેલો જણાયો હતો. ઘરમાં જઈને જોતાં સરસામાન વેરવિખેર જણાયો હતો. મકાનમાં આવેલા ત્રણ કબાટનાં તાળાં તૂટેલા જણાયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, આ મકાનમાંથી તસ્કરો સોનાની બૂટી એક જોડ, સોનાની ચેઈન, સોનાની વીંટી, ચાંદીના સાંકળા તથા રોકડા રૂા. 30,000 એમ કુલ રૂા. 49,250ની મતાની તફડંચી કરીને નાસી ગયા હતા. ચોરીના આ બનાવને પગલે ભારે ચકચાર પ્રસરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મકાનમાંથી વધુ મતાની ચોરી થઈ હતી, પરંતુ ચોપડે ઓછી આવી હતી. નિશાચરોને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer