ભુજના મુખ્ય અધિકારીના પ્રકરણ વચ્ચે હેડકલાર્કે મૂકી દીધી રજા

ભુજ, તા. 6 : સુધરાઇના શાસકો નબળાં હોવાથી તેમને સાચવી લ્યો તેવી વાત, નારાજ નગરસેવકને માહિતી-ઠરાવ હજુ સુધી ન આપવા, હેડ ક્લાર્કનું અચાનક રજા પર ઊતરી જવું, પ્રમુખની નોટિસને પાંચ દિવસ વિત્યા છતાં ઉત્તર ન આપી અવગણના, નારાજ થયેલાઓને મનામણા સહિતના પ્રયાસોને પગલે સત્તાપક્ષ-મુખ્ય અધિકારી વચ્ચેનો ગજગ્રાહ શમ્યો નથી અને હજુ નવા-જૂનીના એંધાણ વર્તાઇ રહ્યા છે. પૂર્વ સુધરાઇ પ્રમુખ, સત્તાપક્ષના નગરસેવકોને ભુજ સુધરાઇના મુખ્ય અધિકારી દાદ ન દેતા હોવાની ફરિયાદ ઊઠયા બાદ સુધરાઇની સામાન્ય સભા અને સત્તાપક્ષમાં ભારે ધમાચકડી મચી હતી ત્યાં ફરી એકવાર ખુદ પ્રમુખ દ્વારા પાઠવાયેલી નોટિસનો મુખ્ય અધિકારી દ્વારા પાંચ-પાંચ દિવસ થવા છતાં જવાબ ન અપાતાં ચર્ચા જાગી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તાજેતરમાં ભાજપ કાર્યાલયે મળેલી બેઠકમાં પરિવારના સભ્યોના ઉદાહરણ સાથે સુધરાઇના શાસકો નબળાં હોવાથી તેમને ચલાવી લ્યો, બાકી બધું ભૂલી જાવ અને ચૂંટણી કામમાં લાગી જાવની સલાહ આપાઈ. આ ઉપરાંત નારાજ નગરસેવકને પ્રમુખ દ્વારા મુખ્ય અધિકારીને ઠપકો આપતો ઠરાવ નથી અપાતો અને માગેલી માહિતી ન અપાતાં મામલો હજુ સળગતા કોલસા જેવો જ છે. પણ અંદર ખાને નારાજગી દૂર થાય તેવા અનેક પ્રયાસો થઇ રહ્યા છે. જો કે, તમામ ઘટનાક્રમ વચ્ચે હેડકલાર્ક એકાએક રજામાં ઊતરી જતાં કચેરીમાં ચર્ચા જાગી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer