કોરોના હવે જિ.પં.ના આંગણે : નાયબ ડી.ડી.ઓ.પોઝિટિવ

કોરોના હવે જિ.પં.ના આંગણે : નાયબ ડી.ડી.ઓ.પોઝિટિવ
ભુજ, તા. 3 : કોરોના મહામારી પર નિયંત્રણ કરવાની જવાબદારી જેના શિરે છે તેવી જિલ્લા પંચાયત કચેરીના આંગણાના ક્વાર્ટરમાં રહેતા મહેકમ અને પંચાયત વિભાગના નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગૌરવભાઇ પ્રજાપતિને કોરોના પોઝિટિવ નીકળતાં પંચાયત ભવન ચિંતા સાથે દોડધામમાં પડી ગયું છે. અગાઉ જિ.પં.ના કેટલાક કર્મચારીઓની અવરજવરના લીધે કોરોનાનું આગમન થવાનો ભય દોઢ મહિના પૂર્વે કચ્છમિત્રના હેવાલમાં વ્યક્ત થયો હતો તે સાચો ઠર્યો છે. પંચાયત સૂત્રોમાંથી મળતી વિગત મુજબ બે દિવસ અગાઉ અમદાવાદથી આવ્યા હતા અને તેમને શરદી-ખાંસી જણાતાં ટેસ્ટ કરાવ્યો જેમાં પોઝિટિવ રિપોર્ટ આવતાં તેમને જનરલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલાયા છે. તો તેમના પરિવારને પણ હોમ ક્વોરેન્ટાઇન કરાયો છે. વધુમાં તમને સંલગ્ન ત્રણ શાખા વિકાસ, પંચાયત અને મહેકમના તેમના સંપર્કના14 કર્મચારીઓને ક્વોરેન્ટાઇન કરાયા છે. દરમ્યાન, વિકાસ શાખાના ડી.ડી.ઓ. પાર્થ કોરડિયા, જિલ્લા વિકાસ અધિકારીના પી.એ. સુભાષ ધોળકિયાને પણ હોમ ક્વોરેન્ટાઇન કરાયા છે.  ગઇકાલે મુખ્ય સચિવ પંચાયત સાથે યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં કોરોનાગ્રસ્ત ડે.?ડી.ડી.ઓ. પ્રજાપતિ સાથે  ડી.ડી.ઓ. પ્રભવ જોષી પણ હાજર રહ્યા હતા. તેમને પણ સલામતી ખાતર હોમ ક્વોરેન્ટાઇન કર્યા છે. આમ, જિલ્લા પંચાયત કચેરીની પ્રથમ હરોળની કેડર `ઘરબંધી'માં આવી ગઇ છે. તો બીજીતરફ પંચાયત ભવન કર્મચારીઓમાં ભય ફેલાયો છે. અને આવતીકાલે જિલ્લા પંચાયત બંધ રહેશે તેવી અફવા ફેલાઇ હતી. આ બનાવને પગલે તેમની ચેમ્બર્સ સહિત વિવિધ શાખાઓ અને સંકુલમાં સેનેટાઇઝની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સૂત્રોએ કહ્યું હતું કે, વધુમાં આ અધિકારીના સંપર્કમાં આવ્યા હોય તેવાઓની યાદી બનાવીને તપાસ થઇ રહી છે. તાલુકા આરોગ્ય અધિકારી ડો. મનોજભાઇ પરમાર અને તેમની ટીમે સારવારને લગતી કાર્યવાહી હાથ ધરી છે. વિધિની વક્રતા એ છે કે, મે મહિને અમદાવાદમાં કોરોનાની મહામારીએ માથું ઊંચક્યું ત્યારે જિ.પં.ના અમુક અધિકારીઓ સ્થાનિકે એકલા રહેતા હોવાથી અને કુટુંબ અમદાવાદ હોવાના લીધે સરકારી ખર્ચે ગાડી લઇને કચેરી કામે અઠવાડિયે બે વખત આંટાફેરા કરતા હોવાનો કર્મચારીઓમાં ભારે ગણગણાટ ઉઠયો હતો. અમદાવાદમાં તેઓ રેડ ઝોન કે ક્યાં જતા હશે તે વિશે ચિંતા ફેલાઇ?હતી અને આવા અધિકારીઓને અન્ય નાગરિકો જેમ ક્વોરેન્ટાઇન કરવાનો સૂર ઉઠયો હતો. પરંતુ સત્તાવાળાઓએ એવું મંતવ્ય આપ્યું હતું કે, કચેરી કામે જતા અધિકારીઓ નિયમોનું પાલન કરે છે પણ તમામ અધિકારીઓને `ઘરબંધી'માં મુકાવું પડયું છે તેવું કર્મચારી વર્તુળોએ કહ્યું હતું.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer