કચ્છમાં મજબૂત બનતો કોરોનાનો સકંજો : વધુ છ પોઝિટિવ

કચ્છમાં મજબૂત બનતો કોરોનાનો સકંજો : વધુ છ પોઝિટિવ
ભુજ, તા. 3 : અનલોક જાહેર થયા પછી કચ્છમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય તેમ પોઝિટિવ કેસમાં ઉછાળા સાથે એક્ટિવ કેસની સંખ્યા વધી રહી છે અને રિકવરી રેટ ઘટી રહ્યો છે ત્યારે આજે જિલ્લામાં વધુ છ પોઝિટિવ કેસ નોંધાવા સાથે કોરોનાનો ઉચાટ જારી રહ્યો છે. આજે નોંધાયેલા છ કેસમાં જિ. પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારીનો પણ સમાવેશ થાય છે. જિ. પંચાયતની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગૌરવ પ્રજાપતિ તાજેતરમાં અમદાવાદથી પરત આવ્યા બાદ તેમને શંકાસ્પદ લક્ષણો દેખાતાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેનો આજે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમના સંપર્કમાં આવેલા તેમના પત્ની, પુત્ર તેમજ ઓફિસ સ્ટાફને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. તો હોસ્પિટલ રોડ પર આવેલી આદર્શ સોસાયટીમાં રહેતા સ્ટેશનરીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી દિનેશ સ્વરૂપચંદ મહેતાને ત્યાં મુંબઈથી કેટલાક સંબંધીઓ આવ્યા હતા. 23 જૂનના તમામ મુંબઈવાસી ગયા બાદ તેમના સાળાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં દિનેશભાઈએ તમામ પરિવારજનોના પરીક્ષણ કરાવ્યા હતા. તેમણે અમદાવાદની ખાનગી લેબોરેટરીમાં પરીક્ષણ કરાવ્યું હતું. પોઝિટિવ કેસ આવતાં આદર્શ સોસાયટીના સંબંધિત વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં તબદીલ કરવા સાથે સંપર્કમાં આવેલા 37 લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગની ટુકડીએ તપાસ કરવા સાથે સેનિટાઈઝેશન પણ કર્યું હતું. આ ઉપરાંત ભચાઉના ખારોઈના ચાકીવાસમાં રહેતા રહીમાબેન કુંભાર, અબડાસાના સાંઘીપુરમના મહફુઝ ખાન અને અંજારના વિજયનગરમાં રહેતા અમૃતલાલ બાંભણિયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમની કંઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાનું જણાવાયું છે. અમૃતલાલભાઈ ગાંધીધામ તિજોરી કચેરીમાં ફરજ બજાવે છે. સાંઘીપુરમના મહફુઝ ખાનના સંપર્કમાં આવ્યા પછી આવેલા 55ને ક્વોરેન્ટાઈન કરાયા છે. જ્યારે માંડવી તાલુકાના નાની ખાખરના પાલારા ખાતે ફરજ બજાવતા પોલીસ યુવાન યુવરાજસિંહ હનુભા જાડેજા અન્ય દર્દીના સંસર્ગમાં આવવાથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે જેને પગલે માંડવી તાલુકા આરોગ્ય અધિકારી ડો. પાસવાન અને સરપંચ થાવરભાઈ મોથારિયા અને બિદડા જમાદાર વાલાભાઈ આહીર સહિતનાએ નાની ખાખર પહેંચી જઈ તકેદારીની કામગીરી હાથ ધરી હોવાનું પ્રતિનિધિ જીવરાજ ગઢવીએ જણાવ્યું હતું. આ સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ 178 પર પહોંચ્યો છે, જે પૈકી 64 કેસ એક્ટિવ છે. અત્યાર સુધી 9 લોકોના મોત નીપજી ચૂક્યા છે. ગાંધીધામના હેવાલ અનુસાર પૂર્વ કચ્છના રાપર તાલુકામાં  ગઈકાલે એક સાથે ત્રણ કેસ  બહાર આવ્યા બાદ આજે બીજા દિવસે અંજારના વૃદ્ધ અને ભચાઉ તાલુકાના ખારોઈ ગામના મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વધતા જતા સંક્રમણને લઈને લોકોમાં  ચિંતા પ્રસરી રહી છે. ભચાઉ તાલુકા આરોગ્ય અધિકારી ડો.એ.કે.સિંઘના જણાવ્યા પ્રમાણે ખારોઈમાં રહેતા  રહીમા આદમ કુંભારને કોરોનાના લક્ષણ જણાતાં  તેમનું સેમ્પલ લેવાયું હતું. તેમની કોઈ ટ્રાવેલ હીસ્ટ્રી નથી.પોઝિટિવ કેસ આવ્યો હોવાની જાણ  થતાં  તાલુકા આરોગ્ય વિભાગની ટુકડીએ  જઈને દર્દીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી આદરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ખારોઈમાં અગાઉ પણ એક કેસ નોંધાયો હતો. દોઢ મહિનાના ગાળામાં ફરી ગામમાં કોરોનાએ  દસ્તક દેતાં ગામમાં ભય ફેલાયો છે. તેમના સંપર્કમાં આવેલા લોકોને કવોરેન્ટાઈન કરવાની તજવીજ હાથ ધરાઈ છે.  બીજી બાજુ અંજાર શહેરના વિજય નગરમાં રહેતા બાવન વર્ષીય અમૃતભાઈ  બલદાણિયા સંક્રમિત થયા હતાં. બે દિવસ પૂર્વે તેમની તબિયત કથડી હતી. કોરોનાના લક્ષણો જણાતાં  આરોગ્ય તંત્ર દ્વારા તેમને સારવાર માટે ભુજ જનરલ હોસ્પિટલમાં જ રિફર કરાયા હતાં અને સેમ્પલ લેવાયું હતું, જેનું પરિણામ આજે પોઝિટિવ આવ્યું છે.  સંક્રમિત વૃદ્ધ પણ કયાંય બહારગામ ગયા ન હોવાનું તાલુકા આરોગ્ય અધિકારી ડો. રાજીવ અંજારિયાએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આજે વધુ એક કેસ આવતાં અંજાર શહેરના સંક્રમિત દર્દીઓનો આંક પાંચ ઉપર પહોચ્યો છે અને એક દર્દીને બાદ કરતાં ચાર દર્દીઓની કોઈની ટ્રાવેલ હિસ્ટ્રી  હતી નહી.   તેમના સંપર્કમાં આવેલા લોકોને કવોરેન્ટાઈન કરવાની કાર્યવાહી  કરાઈ છે.  અંજારના કેસના પગલે વિજયનગર વિસ્તારને સેનિટાઈઝ કરી લાઈન નંબર એલ અને એમના 10 મકાનોને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવાની તજવીજ આદરાઈ હતી. અંજાર પ્રાંત અધિકારી વી. કે. જોશી, મામલતદાર એ. બી. મંડોરી, તા. આરોગ્ય અધિકારી રાજીવ અંજારિયા, પી.આઈ. એ. જી. સોલંકી, નગરપાલિકા પ્રમુખ રાજેશ ઠક્કર, ઉપપ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકા, કા. ચેરમેન કેશવજી સોરઠિયા, શાસક પક્ષના નેતા ડેની શાહ, ચીફ ઓફિસર સંજય પટેલ સહિત ઘટનાસ્થળે પહોંચ્યા હતા.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer