અબડાસામાં ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જ છે

અબડાસામાં ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જ છે
ભુજ, તા. 3 : કચ્છમાં અબડાસા વિધાનસભાના ચાલુ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હવે પેટાચૂંટણીની  ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે પ્રદેશ ભાજપ તરફથી અબડાસાની જવાબદારી સોંપાઇ છે એવા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સહિત મોવડીઓ કચ્છ આવી પહોંચ્યા છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, પક્ષના પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ અને મંત્રી પ્રદીપસિંહ વાઘેલા આજે સવારે ભુજ આવી જિલ્લા ભાજપની સંકલન સમિતિ સાથે બેઠક યોજી હતી. રાજ્યમંત્રી વાસણભાઇ આહીર,પક્ષનાજિલ્લા પ્રમુખ કેશુભાઇ પટેલ, સાંસદ વિનોદભાઇ ચાવડા, મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા,અનિરુદ્ધ દવે, વલમજીભાઇ હુંબલ, વર્તમાન ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો વગેરે સંકલન સમિતિના સભ્યો હાજર રહ્યા હતા. `કચ્છમિત્ર' સાથે વાત કરતા શ્રી ચૂડાસમાએ જણાવ્યું હતું કે, અબડાસા બેઠક માટે ભાજપે પ્રદ્યુમનસિંહ જાડેજાની પસંદગી કરી છે. ઉમેદવાર માટેની ચર્ચાનો કોઇ પ્રશ્ન નથી. બેઠકમાં ખુદ પ્રદ્યુમનસિંહ પણ હાજર રહ્યા હતા. જિલ્લા સમિતિના સભ્યો સમક્ષ આવનારી ચૂંટણી અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. પેટાચૂંટણી છે એટલે ત્રણ તાલુકામાં કાર્યકરોને સોંપવામાં આવનારી વ્યવસ્થા માટે ટીમ બનાવવા નક્કી થયું હતું. ભુજ બાદ નખત્રાણા ખાતે તાલુકા સંકલન સમિતિના સભ્યો સાથે સાંજે બેઠક યોજવામાં આવી હતી. નખત્રાણા તાલુકાના કાર્યકરો સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી એમ તેમણે જણાવ્યું હતું. પ્રદ્યુમનસિંહને વધુ મતોથી જીતાડવા શું કરવું જોઇએ તેના ભાગરૂપે માર્ગદર્શન આપી સૂચનો મેળવવામાં આવ્યા હતા. આ ઉમેદવાર કોંગ્રેસમાંથી આવીને ટિકિટ નક્કી થાય તો પક્ષના કાર્યકરોમાં નારાજગી સામે આવી એ સવાલ સામે તેમણે જણાવ્યું કે પ્રદ્યુમનસિંહ ધારાસભ્ય હતા એ સમયે પણ હકારાત્મક રજૂઆતો કરીને હંમેશાં અબડાસાના વિકાસની ચિંતા કરી છે. ભૂતકાળમાં પણ તેઓ ભાજપમાં જ હતા એટલે નારાજગી પણ નથી, અન્ય કોઇએ દાવો કર્યો ? તો આ પ્રશ્ન સામે શ્રી  ચૂડાસમાએ કહ્યું કે ઉમેદવાર નક્કી જ છે એટલે કે દાવા લેવાનો કોઇ પ્રશ્ન જ નથી ને કોઇએ દાવો કર્યો પણ નથી. વિશેષમાં તેમણે કહ્યું કે, સપ્ટેમ્બરમાં ચૂંટણી આવી શકે છે એટલે અમે તૈયારીઓ શરૂ કરી દીધી છે.   

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer