એક વર્ષથી ધૂળ ખાતો દોઢ કરોડનો ગટર પ્રોજેક્ટ

એક વર્ષથી ધૂળ ખાતો દોઢ કરોડનો ગટર પ્રોજેક્ટ
ભુજ, તા. 3 : દોઢ કરોડનો ગટરલાઇનનો પ્રોજેક્ટ કારોબારીમાં લેવાયો, સામાન્ય સભામાં ઠરાવ થયો, ટેન્ડર બહાર પડાયા પણ ખોલાયા નહીં અને એ ફાઇલ ગ્રાન્ટ લેપ્સ જવાની તૈયારી સાથે છેલ્લા એક વર્ષથી ભુજ સુધરાઇની ગટર શાખાની અભેરાઇ પર ધૂળ ખાતી પડી રહેતાં અનેક સવાલો સર્જાયા છે. સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં અનેક વિસ્તારોમાં ગટર સમસ્યાઓ હલ કરવા ખોદાણ ચાલુ છે અને કરોડોના કામો થઇ રહ્યા છે. પરંતુ મહત્વના કહી શકાય તેવા બસ સ્ટેશન વિસ્તારમાં દોઢ કરોડનો પ્રોજેક્ટ એક વર્ષ પહેલાં કારોબારીમાં લેવાયો, સામાન્ય સભામાં ઠરાવ થયો, ટેન્ડર પ્રક્રિયા પણ કરાઇ પરંતુ યેનકેન કારણોસર ભાવ ન ખોલી આખેઆખી ફાઇલ જ અભેરાઇએ ચડાવી દેવાઇ. જો કે, ગ્રાન્ટ લેપ્સ જતી હોવાની માહિતીને પગલે નગરસેવક દ્વારા એ ફાઇલ ફરી ખોલાવવા  પ્રયાસ કરાયા હોવાનું જાણવા મળ્યું હતું.  ભુજના છઠ્ઠીબારી રિંગરોડ અને એવન ડ્રાયક્લિન પાસે, ઘનશ્યામ નગર અને વીઆરપી ગેસ્ટ હાઉસ નજીક વારંવાર ઊભરાતી ગટરની સમસ્યાની સાથોસાથ ભુજના વોર્ડ નં. પાંચ અને છની ગટરલાઇન પર ભારણ ઘટી શકે તેવું અઢી-ત્રણ વર્ષ પહેલાં આયોજન કરાયું અને બસ સ્ટેશન પાસેથી જોડાણ સ્ટેશન રોડની લાઇનમાં આપવાનું નક્કી કરાયું હતું પરંતુ તેની ફાઇલ યેનકેન કારણોસર સુધરાઇની ગટર શાખાની અભેરાઇ પર ચડી ગઇ. જો કે, દોઢેક કરોડના પ્લાનની ગ્રાન્ટ લેપ્સ જતી હોવા અંગેનું ધ્યાને આવતાં વોટર સપ્લાય શાખાના ચેરમેન અને વોર્ડ નં. પાંચના નગરસેવક કૌશલ મહેતાએ ગ્રાન્ટ લેપ્સ ન જાય અને લોકોને પણ ગટર સમસ્યામાંથી છુટકારો મળી રહે  તે માટે એ ફાઇલ ફરી ખોલાવી અધિકારી-પદાધિકારીઓનું ધ્યાન દોર્યું હોવાનું જાણવા મળ્યું હતું. એક વર્ષ પહેલાં ક્યા કારણોસર ભાવ ન ખોલાયા અને એ અંગે અધિકારી કે, પદાધિકારીએ પણ કેમ કોઇ જાતની દરકાર ન લીધી તેવા સવાલો જાગૃત નાગરિકો પૂછી રહ્યા છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer