વિપક્ષની ઉગ્રતા વચ્ચે અંજાર સુધરાઇની સભા બની `ગરમ''

વિપક્ષની ઉગ્રતા વચ્ચે અંજાર સુધરાઇની સભા બની `ગરમ''
અંજાર, તા. 3 : આજે અહીં યોજાયેલી સુધરાઇ સામાન્ય સભા વિપક્ષના આક્રમક વલણના લીધે ઉગ્ર બની હતી. ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના મુદ્દે ખુલ્લેઆમ આક્ષેપોને શાસક પક્ષના નગરસેવિકાએ ખુલ્લું સમર્થન કરતાં સત્તાધારી સભ્યોમાં સોપો પડી ગયો હતો. સુધરાઇ પ્રમુખ રાજેશ વી. ઠક્કરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં વિવિધ?ઠરાવો થયા હતા જેમાં કોરોના સંક્રમણને પહોંચી વળવા રૂા. 15 લાખ, જરૂરી સાધનો ખરીદવા રૂા. 3.90 લાખ, 54.50 લાખના ખર્ચે બગીચાનું સુશોભિકરણ, રસ્તાઓ માટે રૂા. 61.50 લાખ, સી.સી.?ટી.વી. કેમેરા માટે 1.10 કરોડ, સવાસર તળાવમાં લાઇટિંગ -યુઝિક સિસ્ટમ 95 લાખ, વિજયનગર હોસ્પિટલ પાછળ બોર ચાલુ કરવા રૂા. 95 લાખના ખર્ચને મંજૂરી અપાઇ હતી. બેઠકના આરંભે શાસક પક્ષના નેતા ડેનીભાઇ?શાહે ઠરાવો અને હિસાબોનું વાંચન કર્યું હતું. દરમ્યાન, વિપક્ષે શરૂઆતથી જ ઉગ્ર વલણ દર્શાવ્યું હતું. પૂર્વ વિપક્ષી નેતા જિતેન્દ્રભાઇ ચોટારાએ સફાઇ કોન્ટ્રાક્ટરની મુદ્દત અને સફાઇ કર્મીઓના શોષણ વિશે આક્ષેપ કર્યા હતા. ઉપરાંત ઉપપ્રમુખના પરિવાર દ્વારા જમીન દબાણનો સવાલ ઉઠાવતાં શાસક પક્ષે હાથ ખંખેરતાં કહ્યું હતું કે, હજુ લેખિત ફરિયાદ મળી નથી. તેમ આ જમીન સુધરાઇ હસ્તક ન હોવાનો ઉડાઉ જવાબ અપાયો હતો. લોકડાઉન દરમ્યાન કોઇપણ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા ન કરવાની સ્પષ્ટ સૂચના હોવા છતાં આઠ કર્મીઓને ફરજમુક્તિના મુદ્દે સવાલ ઉઠાવતાં મુખ્ય અધિકારી સંજય પટેલે એવો પ્રત્યુત્તર આપ્યો હતો કે, 60 વર્ષની વયના લીધે આ નિર્ણય લીધો છે. આઠ કર્મીઓને ફરીથી નોકરીમાં લેવા તમામનો સહકાર મગાતાં શાસક પક્ષના  કલ્પનાબેન શાહે સમર્થન કરતાં સોપો પડી ગયો હતો. તો કાયમી સિવાયના ક્લાર્ક તેમજ કોમ્પ્યુટર ઓપરેટર્સને સીસીસી સમકક્ષ પરીક્ષા પાસ કરવાના મુદ્દે અર્થઘટન માગ્યું હતું. શ્રી ચોટારા સાથે વિપક્ષી નેતા અકબરશા શેખે પણ ગટર યોજનાની આડમાં કેબલ કૌભાંડ આચરવાનો આક્ષેપ કર્યો હતો. જો કે, ડેની શાહે આક્ષેપ તથ્ય વિહોણા લેખાવતાં શાસક પક્ષે જવાબો ન આપીને સભા આટોપી લીધી હોવાના મુદ્દે નારાજગી વ્યક્ત થઇ હતી. આ બેઠકમાં 36માંથી 29 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કચેરી અધીક્ષક ખીમજીભાઇ સિંધવ, દીપકભાઇ વરૂએ કામગીરી સંભાળી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer