માધાપરમાં તબીબી વ્યવસાયનો કચરો આરોગે છે ગાયો : લોકોમાં ભારે નારાજગી

માધાપરમાં તબીબી વ્યવસાયનો કચરો આરોગે છે ગાયો : લોકોમાં ભારે નારાજગી
માધાપર (તા. ભુજ), તા. 3 : અતિ સમૃદ્ધ અને જાગૃત ગણાતા આ ગામે ગૌરક્ષણની સામે વથાણ ચોકમાં પંચાયત દ્વારા મોટી મોટી કચરાપેટીઓ મુકાઈ હોવા છતાં બે ડગલાં ચાલવામાં આળસ કરતા આજુબાજુના દુકાનદારો અને રહેવાસીઓ દ્વારા બધો કચરો બહાર ફેંકી દેવાય છે. નવાઈની વાત એ છે કે, મેડિકલ વેસ્ટના પદ્ધતિસરના નિકાલના ખર્ચથી બચવા આજુબાજુના દવાખાનાના ડોક્ટરો પણ હાથ મોજા, સિરીંઝ, ઈંજેક્શન અને કોટન સહિતના મેડિકલ વેસ્ટ પણ અહીં ઠાલવે છે જે બિલકુલ ગેરકાયદેસર છે. જો આવી વસ્તુ ગાયના મોઢા અને પેટમાં જાય તો એમની શું હાલત થાય એની ચિંતા સાથે ગામના નીલકંઠ ગૌસેવા યુવક મંડળના સેવાભાવી યુવાનો દ્વારા આ બાબતની પંચાયતને જાણ કરાતાં રીતસર પોલીસને બોલાવીને આ બનાવનું પંચનામું કરીને આવા બેજવાબદાર ડોક્ટરોને શોધવાની કામગીરી હાથ ધરાઈ છે. દાતાઓ દ્વારા ગાયોની સેવા માટે વથાણ ચોકમાં નિયમિત લીલા ચારાનું નીરણ અપાતું હોય ત્યારે શિક્ષિત કહેવાતા ડોક્ટરોના આવા કૃત્યને લોકો ગુસ્સા સાથે વખોડી રહ્યા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer