દાડમની પેદાશ એટલે સોનાથી ઘડામણ મોંઘી

દાડમની પેદાશ એટલે સોનાથી ઘડામણ મોંઘી
વિથોણ (તા. નખત્રાણા), તા. 3 : દાડમની પેદાશ ખેડૂતો માટે સોનાથી ઘડામણ મોંઘી જેવો તાલ સર્જાયો છે. અને બીજા ફાલનો ભાવ માત્ર 15 રૂા. કિલો હોવા છતાં ખરીદદાર નથી. કોરોના અને લોકડાઉનને કારણે પંથકની ખેતી પેદાશોની બજાર બિલકુલ પડી ભાંગી છે એકાદ બે અપવાદ સિવાય મોટા ભાગના ખેડૂતોની નીચા ભાવે દશા બગાડી નાખી છે. અત્યારે ખેડૂતો એક સાંધે ત્યાં અઢાર તૂટે છે. તેવી સ્થિતિ સર્જાઇ છે. કપાસ, દિવેલાને દાડમની ફસલોએ ખેડૂતોને કરજદાર બનાવ્યા છે. પેદાશો લેવા સતત સંઘર્ષ કરતા પંથકના ધરતીપુત્રો અત્યારે હતાશ બની ગયા છે. કપાસનું વાવેતર નિષ્ફળ જવાથી ખેડૂતોની હાલત ના ઘરના અને ના ઘાટના જેવી થઇ ગઇ છે. પાણી નબળા પડવાથી પેદાશો પણ હાથતાળી આપવા લાગી છે. દિવેલાના ભાવ પણ ખેડૂતોને પોષાય તેવા નથી. અને દાડમના ઊંચા ભાવો મળશે તે આશા પણ નઠારી નીવડતા ખેડૂતો હતપ્રભ બન્યા છે. પંથકની ખેતીને ટકાવી રાખવા અને પાતાળી પાણીને થોડા માફક આવતા 3થી 4 પાકો છે. જે પૈકીના કપાસ, દિવેલા, રાયડો અને દાડમના નિમ્ન ભાવોને કારણે ખેડૂતોની કમર ભાંગી ગઇ છે. ખેતીવાડીના વીજ જોડાણમાં વીજ ધાંધિયા ખેડૂતોને જાણે વારસામાં મળ્યા હોય તેવું જણાય છે. વિથોણના દાડમની ખેતી કરતા ખેડૂતો બાબુભાઇ ગોપાલ વાલાણી, પ્રવીણભાઇ ભગતના જણાવ્યા મુજબ 15 રૂા. પ્રતિ કિલોના ભાવે દાડમ આપવા તેના કરતા પશુઓને નીરણ કરીએ તો દૂધની ગુણવત્તા સારી બને. અમુક ખેડૂતોએ દાડમ ઉપર ટ્રેકટર ફેરવીને પશુઓને નીરણ કરી દીધું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ દાડમના ફળ ઉપર ભમરી ડંખ મારે તો દાડમ પાંગળું બની જાય છે. અને તેને વેપારીઓ રદ કરે છે. અને પાસ કરેલ દાડમ પણ 15 રૂપિયે કિલોના ભાવે ખરીદાય છે. અને પ્રતિ કિલો નવ રૂા. જેટલો ખર્ચ થાય છે. જેમાં ટ્રાન્સપોર્ટીંગ બોક્સ પેકીંગ વિ.નો ખર્ચ બાદ કરતાં માત્ર છ રૂા. પ્રતિ કિલો ખેડૂતોને મળે છે. જેથી ખેડૂતો કહે છે કે દાડમની ખેતી અત્યારે સોનાથી ઘડામણ વધુ તેવી સ્થિતિમાં છે. લોકડાઉન પછી ખેડૂતોની હાલત ફોફડી બની હોવાનું પણ જાણવા મળ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer