જનાણમાં ખડીરવાસીઓએ 154 બોટલ રક્તદાન કર્યું

જનાણમાં ખડીરવાસીઓએ 154 બોટલ રક્તદાન કર્યું
ભુજ, તા. 3 : શહેરી અને આસપાસના વિસ્તારોમાં રક્તદાન ક્ષેત્રે જાગૃતિ આવી છે. પરંતુ, હવે કચ્છના દુર્ગમ ગણાતા પંથક એવા ખડીરમાં પણ લોહીના એક એક બુંદનો સદુપયોગ કરવાની સભાનતા આવી છે. આ મુલકે એક જ દિવસમાં 154 બોટલ રક્ત અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલને આપી રક્તદાન જ મહાદાન છે એ ઉક્તિ સાર્થક કરી છે. સોમવારે ખડીરના સેન્ટર સમા જનાણ ગામે આરોગ્ય કેન્દ્રના સહયોગથી યોજાયેલા રક્તદાન કેમ્પમાં ખડીરની 11,300 વસ્તી પૈકી 154 લોકોએ રક્તદાન કરતાં આ ક્ષેત્રે દુર્ગમ વિસ્તારના રહેવાસીઓમાં આવેલી ચેતનાનો દાખલો બેસાડ્યો હતો. જી.કે. દ્વારા આ વર્ષે યોજયેલા કેમ્પ પૈકી સૌથી વધુ રક્તદાન ખડીરમાં થયું હતું એમ, બ્લડબેંકનાં વડા ડો. જિજ્ઞાબેન ઉપાધ્યાય અને મેડિકલ ઓફિસર ડો. ખુશમાર ડાભીએ જણાવ્યું હતું. જનાણ ખડીરના કેમ્પને સફળ બનાવવા તાલુકા હેલ્થ ઓફિસર ડો. એ. કે. સિંહ, આરોગ્ય કર્મચારીઓ મોહન વરચંદ, પ્રદીપ પટેલ, ધોળાવીરાના મેડિકલ ઓફિસર ડો. મોતીલાલ રાય સહિત રાષ્ટ્રીય સ્વયંસંઘના કાર્યકરોનું યોગદાન રહ્યું હતું. હવેથી દર વર્ષે ખડીરમાં કેમ્પ યોજાશે એમ જી.કે.ના બ્લડ બેંક કાઉન્સેલર દર્શન રાવલે જણાવ્યું હતું. આ ઉપરાંત ગત જૂન માસમાં હોસ્પિટલની બ્લડબેન્ક દ્વારા વ્યક્તિગત રીતે ઝુંબેશ આદરી 296 બોટલ જેટલું રક્ત એકત્ર કર્યું હતું. તો બીજી તરફ અબડાસા તાલુકાના કોઠારા ગામે મુસ્લિમ સમાજના સ્થાનિક અગ્રણી પૈકીના એક એવા અભુ હિંગોરા જન્મદિવસ નિમિત્તે 60 બોટલ રક્ત ભેગું કરવામાં આવ્યું હતું. દરમિયાન જી. કે. જનરલ હોસ્પિટલમાં દર ત્રણ મહિને નિયમિત રક્તદાન કરવા આવતા ભુજ નિવાસી અને દરજીકામનો વ્યવસાય કરતા સુમેરા રણછોડદાસ લવજી નામના દાતાએ પોતાનાં જીવનકાળમાં જી.કે. ઉપરાંત વિવિધ જગ્યાએ 60 વખત રક્તદાન કર્યું છે અને અહીં 61મી વખત રક્તદાન કરી માનવ રક્ત મહામૂલું હોવાનું દૃષ્ટાંત પૂરું પાડ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer