ડીપીટી સામે કામદારોના ભારે સૂત્રોચ્ચાર

ડીપીટી સામે કામદારોના ભારે સૂત્રોચ્ચાર
ગાંધીધામ, તા. 3 : ભારત સરકારની મજૂર વિરોધી નીતિ સામે સેન્ટ્રલ ટ્રેડ યુનિયન દ્વારા તા. 3ના દેશભરમાં વિરોધદિન યોજવા લેવાયેલા નિર્ણય અંતર્ગત ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયન એચ.એમ.એસ કંડલાના ઉપક્રમે  ગાંધીધામ ખાતે વિરોધદિનનું આયોજન કરવામાં આવ્યું હતું. દીનદયાલ પોર્ટની પ્રશાસનિક કચેરી ખાતે ઝંડા તથા બેનરો સાથે યુનિયનના પદાધિકારીઓ અને સભ્યો દ્વારા સૂત્રોચ્ચારો કરી ભારત સરકાર અને પોર્ટ પ્રશાસનની મજૂર વિરોધી નીતિ સામે આકરો વિરોધ વ્યક્ત કરાયો  હતો. કોરોના વાયરસની પરિસ્થિતિને કારણે યુનિયનના  હોદ્દેદારો સીમિત સંખ્યામાં જોડાયા હતા. મેજર પોર્ટ ટ્રસ્ટ એક્ટને નાબૂદ કરી  મેજર પોર્ટ ઓથોરિટી એકટ લાગુ કરવા  બાબતે, મેજર પોર્ટમાં ખાલી જગ્યાઓ  ભરવા, ખાનગીકરણની નીતિ બંધ કરવી, કાચા કામદારોને પાકા  કરવા, કામદારોને સમકક્ષ વેતન અને અન્ય લાભો આપવા, મેજર પોર્ટમાં યુનિયન અને મહાસંઘો વચ્ચે થયેલા કરારોનું અમલીકરણ કરવું, લોકડાઉન દરમ્યાન છૂટા કરાયેલા કામદારોને પાછા બોલાવવા, મજૂર કાયદામાં કરાતા એકતરફી  બદલાવ બંધ કરવા, ભારત સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું રદ કરવાના નિર્ણયને પરત લેવાય, મહાબંદરોના ખાનગીકરણના નિર્ણય ઉપર પુન: વિચારણા કરવી અને આ અંગે મહાસંઘો સાથે વાતચીત કરવી સહિતની માંગોના મુદ્દે આજે વિરોધદિનનું આયોજન કરાયું હતું. આ વેળાએ  ઊંચા અવાજે નારા લગાવી પોર્ટ  પ્રશાસનની કચેરીને ગજવવામાં આવી હતી. આ મામલે પોર્ટના ચેરમેનને આવેદન સુપ્રત કરાયું હતું. મહામંત્રી મનોહર બેલાણી, પ્રમુખ એલ.સત્યનારાયણ, જીવરાજ મહેશ્વરી, ઉમર સિદિક લાડક,  જેઠાલાલ (કારા) દેવરિયા, ઉપપ્રમુખ લલિત વરિયાણી, મંત્રી ક્રિષ્ના રાવ, સાધુરામ ખોડિયાર, અર્જુન આયડી  વિગેરે જોડાયા હતા.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer