ભચાઉ પંથકમાં નિર્દોષ સસલાંને મારી, મિજબાની કરનારા ઝડપાયા

ભચાઉ પંથકમાં નિર્દોષ સસલાંને મારી, મિજબાની કરનારા ઝડપાયા
ગાંધીધામ, તા. 3 : ભચાઉ પંથકમાં નિર્દોષ સસલાંને મારી તેની મિજબાની માણવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને બે શખ્સો તથા  કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને પકડી પાડવામાં આવ્યો હતો. ભચાઉ પંથકમાં છેલ્લા 6-7 દિવસ અગાઉ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં અમુક શખ્સો સસલાંને મારી તેની ખાલ ઉતારતા હોવાનું જણાયું હતું. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તેમજ અખબારોમાં આવતાં પોલીસ હરકતમાં આવી હતી.વીડિયોના આધારે મનફરામાં પ્રવીણ રામા કોળી, જીગા બીજલ કોળી તથા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકને  પકડી લેવાયા હતા. પોલીસના  સત્તાવાર સાધનોએ  જણાવ્યું હતું કે, આ શખ્સો સીમ વિસ્તારમાં જઇ પોતાની પાસે રહેલી જાળ બિછાવતા હતા અને પોતે તાલીમ આપેલા શિકારી કૂતરા નિર્દોષ પશુઓ પાછળ દોડાવતા હતા. નિર્દોષ પશુ ઝાળમાં આવી ગયા બાદ તેની હત્યા કરી તેની મિજબાની માણવામાં આવતી હતી.પકડાયેલા આ ત્રણેયને વન વિભાગને સોંપી દેવામાં આવ્યા હતા. વન વિભાગે વન્ય જીવન સંરક્ષણ ધારા 1972ની કલમ 9, 39, 50 તળે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer