પવનચક્કીના પોલમાં વીજકરંટથી બે રણકાગડાના મોતથી અરેરાટી

પવનચક્કીના પોલમાં વીજકરંટથી બે રણકાગડાના મોતથી અરેરાટી
માતાનામઢ, (તા. લખપત), તા. 3 : નખત્રાણા તાલુકાના ઘડાણી ગામની સીમમાં આવેલી પવનચક્કીના વિદ્યુતપોલના કરંટથી બે રણકાગડાનું મોત થતાં પક્ષીપ્રેમીઓમાં અરેરાટી વ્યાપી છે. ઘડાણી ગામના રવિભાઈ સીજુએ આપેલી માહિતી મુજબ ગામની ચીકણી સીમમાં અને પટેલની વાડી પાસે પવનચક્કીના વિદ્યુતપોલમાં કરંટ લાગતાં આ સુંદર દેખાતાં પક્ષીઓનું મોત થયું હતું. વાડીમાં કામ કરતા લોકોની  નજર આ મૃત પામેલાં રૂપકડાં પક્ષીઓ ઉપર પડતાં ગામમાં આ બનાવની જાણ કરી હતી. વન ખાતાના આર.એફ.ઓ. શ્રી મોરીને પૂછતાં જણાવ્યું હતું કે, આ રણકાગડા નામનાં પક્ષીઓ આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ પક્ષીઓના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરતા તેનું મરણ વિદ્યુત કરંટથી થયું છે, જેની તપાસ ચાલુ છે તથા કંઈ કંપનીની આ વિદ્યુત લાઈન છે તેની તપાસ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઘડાણી, વાલ્કાનાના  વાલ્કા મોટા, પાનેલી ગામોની સીમમાં મોટા પ્રમાણમાં પવનચક્કીઓના કામ તેમજ વિદ્યુતપોલ ખોડવાના કામો ચાલી રહ્યા છે અને મોટા પ્રમાણમાં વિદ્યુતરેષાઓ ગુંથાયેલી હાલતમાં છે જે આ વિસ્તારમાં  ઊડતા મોર, ઢેલ, બાજ, ઘુવડ, ગીધ સહિતના પક્ષીઓ માટે જોખમરૂપ બની રહ્યા છે તેવું આ વિસ્તારના લોકો જણાવી રહ્યા છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer