દર મહિને કચ્છનાં નર્મદાનહેરનાં કામોની સમીક્ષા કરો

ભુજ, તા.3 : એક માસ પહેલાં રાજ્યના પૂર્વ મંત્રી અને કચ્છ ભાજપના વરિષ્ઠ અગ્રણી તારાચંદ છેડાએ કચ્છમાં નર્મદા યોજનાનાં કામો પૂરાં થાય અને ઠેઠ મોડકૂબા સુધી નર્મદા નહેર વહેતી થાય એ મુદ્દે રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ હોવાની વ્યથા રજૂ કરી અને જિલ્લાના રાજકારણમાં આંતરિક પ્રવાહો વેગપૂર્વક વહેવા મંડયા તેની સીધી કે પરોક્ષ અસર તળે ગઇકાલે રાજ્યના  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરમાં  ઉચ્ચસ્તરીય  બેઠકમાં કચ્છની  મંથર ગતિએ ચાલતી નર્મદા યોજનાની પ્રગતિની સમીક્ષા કરી તેના પણ જિલ્લામાં મિશ્ર પ્રતિભાવ મળી રહ્યા છે. લગભગ પાંચ દાયકા કરતાં પણ વધુ સમયથી કચ્છ નર્મદા યોજના સાથે સંકળાયું, પણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને એ યોજનાનાં પાણી મળતાં થઇ ગયાં જ્યારે હજુ કચ્છમાં કુલ 357 કિ.મી.ની નહેરનું કામ પણ 23 કિ.મી. બાકી છે અને 333 કિ.મી.નું જે કામ સંપન્ન થઇ ચૂક્યું છે. તેનાં બાંધકામ સામે પણ પ્રશ્નો ઊઠી રહ્યા છે, છતાં ગઇકાલે મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં થયેલી સમીક્ષા થકી સંવેદનશીલ સરકાર હવે કચ્છ પ્રત્યે પણ?પૂરેપૂરી સંવેદના દર્શાવશે તેવી આશા જાગી છે. મુખ્યમંત્રીએ જે 23.24 કિ.મી. નહેરનું બાંધકામ જ બાકી છે અને જમીન સંપાદનના પ્રશ્નો કનડી રહ્યા છે તે મુદ્દો તાકીદે ઉકેલવા કલેક્ટરને સૂચના આપીને જિલ્લાનાં બાકી કામો ઝડપભેર પૂર્ણ થાય તેવી ઇચ્છાશક્તિ દર્શાવી દીધી છે. પૂર્વ રાજ્યમંત્રીની તાકીદ નર્મદા મુદ્દે વિલંબ થતો હોવાનો આક્ષેપ કરનારા પૂર્વ રાજ્યમંત્રી શ્રી છેડાએ આ ઉચ્ચસ્તરીય સમિતિની બેઠક બોલાવવા બદલ મુખ્યમંત્રીને અભિનંદન આપી શ્રી રૂપાણીને યાદ અપાવ્યું છે કે, અગાઉ કચ્છ મુલાકાત વખતે આપે કહેલું, કચ્છમાં આ છેલ્લો દુકાળ છે, હવે દુકાળ નડશે નહીં. છેવાડાના વિસ્તાર સુધી નર્મદાનું પાણી પહોંચાડીશું એ આશ્વાસન સાર્થક થશે તેવી આશા બેઠકના પગલે જાગી હોવાનું ઉમેર્યું હતું. નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન થયા અને 17 દિવસના ટૂંકા સમયગાળામાં કચ્છ શાખા નહેર માટેની પર્યાવરણીય મંજૂરી મળી અને તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સમક્ષ રાપરના ત્યારના ધારાસભ્ય પંકજ મહેતા અને શ્રી છેડા સહિતનાએ રજૂઆત કરી તેથી બે વર્ષનું કામ ચાર મહિનામાં પૂરું થયું અને વાગડને પાણી મળ્યાં. કચ્છહિતમાં આવી ઉચ્ચસ્તરીય બેઠક દર મહિને બોલાવીને  કામોની સમીક્ષા કરવામાં આવે તેવી માંગ કરતાં શ્રી છેડાએ સતત માર્ગદર્શન આપતા રહેવા પણ મુખ્યમંત્રીને તાકીદ કરી નાના-મોટા અન્ય પ્રશ્નો, નાણાં ફાળવણીમાં પણ વખતોવખત સજાગ રહીને ફોલોઅપ લેવા અનુરોધ કર્યો અને કિસાન સંઘ તથા નર્મદા મુદ્દે થયેલા પત્રવ્યવહારના  યોગ્ય પ્રત્યુત્તર આપવા બદલ પણ બિરદાવ્યા છે. રાપર ધારાસભ્ય કહે છે `લોલીપોપ' રાપરના ધારાસભ્ય સંતોકબેન ભચુભાઈ આરેઠિયાએ મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેકઠ સંદર્ભે સત્તાવાર બે પાનાંની મુદ્દાસર યાદી બહાર પાડી કચ્છમાં વિપક્ષ છે એની સાબિતી આપતાં જણાવ્યું છે કે વિધાનસભાની પેટા ચૂંટણીને પગલે કચ્છની પ્રજાને વધુ એક લોલીપોપ અપાઈ છે. નર્મદા યોજના, ભુજોડી-ભચાઉ?ઓવરબ્રિજ સહિતના કચ્છના પ્રશ્ન વણઉકેલાયા છે, જમીન સંપાદન અંગે કોઈ વિચારણા નથી. કચ્છમાં ધમધમાટ હોવાનો દાવો કરાય છે પણ વાસ્તવિક સ્થિતિ સ્થળ પર અલગ છે. બજેટમાં કોઈ જોગવાઈ વગર કામોનો ધમધમાટ કેમ  થાય ? સરાણ ભરવાની વાત કરતા મુખ્યમંત્રીને કોણ સમજાવશે કે હજુ વાંઢિયા સુધી નહેર પહોંચી નથી, સરાણ બાલાસર પાસે છે. નેહરમાં ઠેર ઠેર ગાબડાં છે. ખરેખર તો એક તટસ્થ ઉચ્ચસ્તરીય તપાસ સમિતિ કચ્છ નહેર માટે રચીને તપાસ કરવી જોઈએ. વધુને વધુ તળાવ ડેમ ભરો વાગડમાં નર્મદા નહેર કાર્યરત થઈ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા નર્મદા યોજનાની કચ્છ શાખા નહેરના અભ્યાસુ પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતાનું કહેવું છે કે, વધારાનાં પાણી વધુ ને વધુ ડેમ-તળાવ ભરે તેવું આયોજન અત્યારથી જ શરૂ કરવું જોઈએ. જે 23-24 કિ.મી જમીન સંપાદનનું કોકડું ગૂંચવાયું છે તે ખેડૂતો સાથે બેસીને કચ્છહિતમાં હાથ જોડી - સમજાવીને ઉકેલી શકાય, કારણ કે કચ્છનો કોઈ પણ ખેડૂત આ યોજનામાં વિઘ્નરૂપ નહીં બને. અનેક ખાતરીઓ મળી ચૂકી નર્મદા મુદ્દે વર્ષોથી સક્રિય અમદાવાદ સ્થિત કચ્છી અગ્રણી અશોક મહેતાનું કહેવું છે કે આવી ઉચ્ચસ્તરીય બેઠકો અને મુખ્યમંત્રીઓ દ્વારા આવી ખાતરીઓ અનેક વખત મળી છે, હવે આશા રાખીએ કે અમલીકરણ થાય, મોડકૂબા સુધી નહેરમાં ખેતીનાં પાણી વહે એ તો એક લક્ષ્ય ખરું જ, પણ ખેતરે ખેતરે પાણી પહોંચાડવાનું છે. ખેડૂત મંડળીઓ રચવાની છે, પેટા નહેરો બાંધવાની છે, એ બધું ક્યારે થશે ? સંપાદન અધિકારી નીમો કચ્છ નર્મદા જળ અભિયાનના સદસ્ય લખમશીભાઈ વાડિયા (નર્મદાવાળા)એ જણાવ્યું હતું કે, આજે મુખ્યમંત્રી કેનાલના બાકી 24 કિ.મી.નાં કામ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. આ ખરેખર બન્ની માટેની કેનાલ છે. કચ્છની કાયમી પાણીની કેનાલ શિણાઈ પાસે જમીન સંપાદન કરી જ નથી. સરકારને કચ્છમાં પાણી આપવાનો ઈરાદો જ નથી. જો સરકારને પાણી આપવાની ભાવના હોય તો જમીન સંપાદન અધિકારીની જલ્દી નિમણૂક કરે. કચ્છને એક મિલિયન એકર ફિટ વધારાનું પાણી ફાળવ્યું, હવે દસ હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરે અને નર્મદાનું કામ તુરંત શરૂ કરે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer