ધો. 3થી 8ના છાત્રોની શિક્ષણતંત્ર ઘેરબેઠાં પરીક્ષા લેશે : સુપરવિઝન વાલીઓનું ?

ભુજ, તા. 3 : કોરોનાની મહામારી પોતાનો પંજો વધુને વધુ પ્રસારી રહી છે ત્યારે છેક છેલ્લી ઘડીએ યુનિવર્સિટીની જી.ટી.યુ. પરીક્ષાઓ રદ્દ કરીને સાથે સરકારી તંત્રનું નવું ગતકડું ચર્ચાસ્પદ બન્યું છે. ધો. 3થી 12ની પરીક્ષા લેવાશે તેવી જાહેરાતથી વાલીઓ ભારે ચિંતિત બન્યા છે. માહિતગારોના જણાવ્યા અનુસાર આ પરીક્ષાઓ સરકારી કે સ્વનિર્ભર તમામ શાળાઓએ લેવાની છે એવું ફરમાન છે. 1થી 8 ધોરણમાં જે કંઇ ઓનલાઇન ભણાવાયું તેની ગુજરાતી અને ગણિતની પરીક્ષાઓ લેવાશે. 5-5 માર્કના પાંચ પ્રશ્નોના ઉત્તર વિદ્યાર્થીઓએ વાલીઓની દેખરેખમાં આપવાના રહેશે. આ પરીક્ષાનો સમય એક કલાકનો રહેશે. વર્ગખંડમાં 100 માર્કની પરીક્ષા માટે ત્રણ કલાક સાધારણ રીતે અપાય છે, પણ 25 માર્કસની પરીક્ષા માટે 1 કલાક અપાશે. આમ તો ઓનલાઇન ભણાવાય તો પ્રશ્નપત્ર પણ?ઓનલાઇન મૂકી શકાય, પણ એવું નથી. શિક્ષણ વિભાગ પ્રશ્નપત્ર જિલ્લા શિક્ષણાધિકારીને ઇ-મેઇલ કરશે. તે સ્કૂલોને મોકલશે. સ્કૂલનો શિક્ષક વિદ્યાર્થીને વ્યક્તિગત રીતે 27 જુલાઇ સુધીમાં પ્રશ્નપત્ર ઘરે પહોંચાડશે.  એ જ રીતે 9થી 12ની જુદા જુદા વિષયોની પરીક્ષાઓ 29 અને 30 દરમ્યાન અનુકૂળતા પ્રમાણે વિદ્યાર્થી આપી શકશે. આમાં જવાબદારીઓ વહેંચી દેવામાં આવી છે. પ્રશ્નપત્રો શિક્ષક પહોંચાડે તો ઉત્તરવહી સ્કૂલ સુધી વાલીઓએ પહોંચાડવાની રહેશે. એ ઉત્તરવહીઓ જે તે વિષયના શિક્ષકો તપાસશે ને પરિણામ જાહેર કરશે. ક્યારે ? તેની કોઇ જાહેરાત નથી. શિક્ષણ તંત્રના આ ગતકડાંને વાલીઓએ નાટક ગણાવ્યું છે. અહીં વર્ગખંડ, સુપરવાઇઝર નથી. વિદ્યાર્થીએ વાલીની દેખરેખમાં પરીક્ષા આપવાનું અપેક્ષિત છે, એ પણ ફરજિયાત નથી. તો વાલીએ સુપરવિઝન કરવાનું રહે. એણે જોવાનું રહે કે તેનું સંતાન નક્કી કરેલી સમયમર્યાદામાં પરીક્ષા આપે. આ બધું છતાં અંદરના ગામડાંઓમાં કે આદિવાસી વિસ્તારોમાં સાધનોના અભાવે શિક્ષણ જ થયું નથી, ત્યાં આવી પરીક્ષાઓ ક્યા આધારે લેવાશે તેનો ફોડ પડાયો નથી. અત્યાર સુધી જે સાધનસંપન્ન છે એવા વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને જ શિક્ષણતંત્ર વિચારી રહ્યું હોવાનું લાગે છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer