વરસાદની આગાહી વચ્ચે તાપ-બફારાથી લોકો અકળાયા

ભુજ, તા. 3 : વરસાદની આગાહીના વર્તારા વચ્ચે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં તાપ-ઉકળાટનો દોર યથાવત રહ્યો છે. મહત્તમ પારો ઊંચકાવવા સાથે ભેજનું પ્રમાણ વધતાં જિલ્લાવાસીઓ અકળાઈ ઊઠયા હતા. જિલ્લા મથક ભુજમાં મહત્તમ પારો બે ડિગ્રીના વધારા સાથે 39.4 ડિગ્રીના આંકે પહોંચ્યો હતો. હવામાન વિભાગના વર્તારામાં જણાવ્યા અનુસાર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર તળે રાજ્યના અન્ય વિસ્તારોની સાથે કચ્છમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસવાની આગાહીને જારી રખાઈ છે. ખાસ કરીને રવિથી મંગળ ભારે વરસાદની શક્યતા છે. શનિવારથી વરસાદી ગતિવિધિ વેગવાન બનવાની સંભાવના વચ્ચે આજે તો જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ધૂપ-છાંવનો માહોલ જોવા મળ્યો હતો. કંડલા (એ)માં 39.4 તો કંડલા પોર્ટમાં 38.9 ડિગ્રીએ ગાંધીધામ-અંજાર વિસ્તારમાં ગરમીની અનુભૂતિ થઈ હતી. રાજ્યમાં સુરેન્દ્રનગર, ડીસા અને અમદાવાદ પછી કચ્છના મથકો સર્વાધિક તપ્યા હતા. બફારાથી અકળાયેલા લોકો હવે સચરાચરી મેઘસવારી ઝંખી રહ્યા છે. દરમ્યાન, ભુજ હવામાન કચેરીના પ્રભારી રાકેશકુમારે જણાવ્યું કે, ચોમાસું સક્રિય અવસ્થામાં હોવા સાથે સર્ક્યુલેશનની અસરથી 12મી તારીખ સુધી જિલ્લામાં મેઘાવી માહોલ જળવાયેલો રહેશે. આજથી વરસાદી ગતિવિધિ શરૂ થાય તેવા સંકેત તેમણે આપ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer