પ્રવાસન સ્થળોના વિકાસનું કાર્ય હવે પાટે ચડયું

ભુજ, તા. 3 : કચ્છમાં પ્રવાસન વિકાસની સર્જાયેલી ઉજળી તકો વચ્ચે પાંચ સ્થળોના પ્રવાસન વિકાસના કામો ધમધમવા સાથે પહેલા ચરણના કાર્યો અંતિમ ચરણમાં પહોંચી ચૂક્યાં છે તો બીજા તબક્કામાં છ જેટલા પ્રવાસન સ્થળોને વિકસાવવાની દરખાસ્તને પણ હવે થોડા જ સમયમાં મંજૂરી મળે તેવી પ્રબળ શક્યતા સત્તાવાર સૂત્રોમાંથી વ્યક્ત કરવામાં આવી રહી છે. લોકડાઉનના કારણે અટકેલી કામગીરી હવે અનલોકના આરંભ સાથે રાબેતા મુજબ પાટે ચડી રહી છે. તાજેતરમાં કલેક્ટરે પણ લખપત કિલ્લાની મુલાકાત લઇ પ્રવાસન પ્રોજેક્ટ તળેના કાર્યોની જાત સમીક્ષા કરી હતી. લખપત કિલ્લો, ધીણોધર થાન જાગીર, માતાના મઢ, જેસલ-તોરલની સમાધિ તેમજ હડપ્પન નગરી ધોળાવીરા 26 કરોડથી વધુના ખર્ચે વિકાસકાર્યો કરવામાં આવી રહ્યાં છે. લખપત-ધોળાવીરામાં પ્રવાસીઓને આકર્ષવા માટે ટુરિસ્ટ સર્કિટ બનાવવાનું મહત્વનું આયોજને ઘડવામાં આવ્યું છે. કોરોનાના કારણે કામગીરીનો દોર એક માસ કરતાં વધુ સમય માટે થંભ્યા બાદ હવે પ્રવાસન વિકાસના પ્રોજેક્ટ ધીમા ડગલે ગતિવાન બનવા લાગ્યા છે. સમગ્ર પ્રોજેક્ટ જે વિભાગ હસ્તક થાય છે એ આયોજન શાખાનો આ બાબતે સંપર્ક સાધતાં ધોળાવીરા-લખપત કિલ્લામાં હવે ટુરિસ્ટ સર્કિટ બનાવવાનું કાર્ય હાથ?પર લેવા સાથે કંથકોટના સૂર્ય મંદિર સહિતના સ્થળોને વિકસાવવા માટેની દરખાસ્ત કરવામાં આવી છે જેની મંજૂરી પ્રક્રિયા હવે વેગવાન બનશે તેવા નિર્દેશો પણ સાંપડવા પામ્યા છે. નોંધનીય છે કે, રણોત્સવ બાદ જ્યારે કચ્છમાં પ્રવાસન વિકાસની ઉજળી તકો સર્જાઇ?છે ત્યારે ક્રમશ: પ્રવાસીઓને આકર્ષતા વિવિધ પ્રવાસન સ્થળોને વિકસાવવા માટે અલાયદી ગ્રાંટ ફાળવવા સાથે આખોય પ્રોજેક્ટ આગળ  ધપી રહ્યો છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer