રાપર પંથકમાં લકઝરીઓ સડસડાટ દોડે અને એસ.ટી.ને હજુયે જાણે કોરોના

રાપર, તા. 3 : આખા રાપર તાલુકામાં માત્ર બસ જ અંતરિયાળ વિસ્તારમાં જવા-આવવા માટેનું સરળ અને હાથવગું મુખ્ય સાધન છે. કોરોનાકાળથી અત્યાર સુધી ગ્રામ્ય વિસ્તારમાં બસો તો બંધ છે છતાં રાપરની બજાર, દવાખાના વગેરે સવારથી જ ગ્રામીણ લોકોથી ઉભરાતા જોવા મળે છે. કારણ કે કોરોનાનો ડર માત્ર એસટી ને જ છે. ખાનગી વાહનો તો પોલીસની મહેરબાનીથી છલોછલ ભરાઈને આવે-જાય છે. માસ્ક ભૂલથી પણ ન પહેર્યું હોય તો દંડ કરતા પોલીસ તંત્રને ઓવરલોડ પેસેન્જર્સ ભરીને દોડતાં અને પેસેન્જર્સ પાસેથી એસ.ટી. સેવા ચાલુ ન હોતાં મનફાવે તેમ લૂંટતા ખાનગી વાહનો કેમ દેખાતા નહીં હોય, તેવો પ્રશ્ન લોકો કરે છે. સાંજના થોડું મોડું થાય તો ગમે તે વેપારીને ફટકારતાં પોલીસ મિત્રો આવા ઓવરલોડ વાહનોને કોરોનાપ્રૂફ ન સમજે તો સારું કહેવાય ! અથવા એસટી ખાતું થોડો કોરોનાનો ડર દૂર કરીને સાવચેતી સાથે ગ્રામીણ વિસ્તારોમાં સેવા શરૂ કરે તેવું આવા પીડિતો ઈચ્છી રહ્યા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer