એપ્રેન્ટિસ ભરતીની ઓનલાઇન અરજી માટે અરજદારો માથાં પછાડે છે !

ગાંધીધામ, તા. 3 : અહીંના દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના વિવિધ વિભાગો માટે એપ્રેન્ટિસની ભરતી કરવા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે પરંતુ અરજદારો દિવસ આખો માથાં પછાડે છે, પરંતુ અરજી સ્વીકારાતી જ નહીં હોવાની વ્યાપક રાવ આવી છે. એક તરફ વધતી જતી બેરોજગારીની સમસ્યા છે તો બીજી તરફ ડીપીટી જેવાં સંસ્થાનમાં એપ્રેન્ટિસ જગ્યા બહાર પડતાં હજારો બેરોજગાર યુવા જોડાવા ઇચ્છુક છે. 194 જેટલી જગ્યાઓ માટેની ઓનલાઇન અરજી આ યુવાનો કરવાના સતત પ્રયાસ કરે છે પરંતુ અનેક જણની અરજી સ્વીકારાતી નથી. ડીપીટીના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે સર્વરની સમસ્યા હોવાથી આવું થઇ રહ્યું છે. અરજી કરવાની અંતિમ અવધિ તા. 7-7 છે પરંતુ હવે થોડા જ દિવસ રહ્યા છે છતાં ઓનલાઇન અરજી જેઓ હજુ નથી કરી શકયા તેવા બેરોજગાર યુવક-યુવતીઓ ભારે નિરાશ થયાં છે.નિયમ પ્રમાણે અરજીઓ માત્ર ઓનલાઇન જ કરવાની હોવાથી અને સર્વર નહીં ચાલતું હોવાથી અનેક અરજદારોના હાથમાંથી તક જતી રહે તેવી ભીતિ છે. સ્થાનિક ગાંધીધામ તથા આસપાસના બેરોજગારોએ ડીપીટી પ્રશાસનિક ભવનમાં જઇને રૂબરૂ અરજી પહોંચાડવા પ્રયાસ કર્યા હતા જે નકારી દેવાયા છે. પ્રશાસને સર્વરની સમસ્યા દૂર કરવા પણ કોઇ પ્રયાસ કર્યા હોય તેવું જણાતું નથી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer