પૂર્વ કચ્છમાં ત્રણ જણનાં અકાળે મૃત્યુ

ગાંધીધામ, તા. 3 : રાપરના માલી ચોક વિસ્તારમાં રહેનારા જમુબેન મૂળજી દરજી (ઉ.વ.57) નામના મહિલાએ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. બીજીબાજુ ગળપાદર જિલ્લા જેલમાં રહેલા મૂળ બોટાદના અશોક ધનજી રેલીયા (ઉ.વ.38)નું મોત થયું હતું. તેમજ ગાંધીધામમાં રેલવે મથક નજીક સંજય પુનાભાઈ મહંતો (ઉ.વ.44) નામના યુવાને કોઈ કારણે જીવ ગુમાવ્યો હતો.  રાપરના માલી ચોક વિસ્તારમાં રહેનારા જમુબેન નામના આધેડ મહિલાએ આજે સવારે 6 થી 7 વાગ્યા દરમ્યાન અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવની તપાસ કરનારા ફોજદાર મહેન્દ્રસિંહ કે. વાઘેલાએ જણાવ્યું હતું કે, પરિવારના સભ્યો સુતા હતા ત્યારે આ મહિલાએ હૂકમાં રસ્સી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. આ મહિલાએ કેવાં કારણોસર અંતિમ પગલું ભરી લીધું હતું તે હજુ પોલીસની તપાસ દરમ્યાન બહાર આવ્યું નથી. જેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજીબાજુ ગળપાદર જિલ્લા જેલમાં રહેલા કાચા કામના કેદી એવા અશોક રેલીયાનું મોત થયું હતું. પોલીસે કહ્યું હતું કે, પાંચેક વર્ષ સુધી ભાવનગરની જેલમાં રહ્યા બાદ આ યુવાનને ચારેક માસ પહેલાં અહીં ગળપાદર જેલમાં તબદીલ કરાયો હતો. અહીં તેને દમ, ટી.બી. અને અન્ય અસહ્ય બીમારી હોવાથી ગત તા. 1/7ના ભુજની જિલ્લા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન આ યુવાને છેલ્લા શ્વાસ લીધા હતા. વધુ એક બનાવ ગાંધીધામમાં બન્યો હતો. અહીંના રેલવે મથક નજીક ફૂટપાથ ઉપર સંજય મહંતો બેભાન મળી આવતાં તેને 108 એમ્બ્યુલન્સ થકી સારવાર માટે લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન આ યુવાનને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer