રાધનપુરથી આદિપુર આવતાં કન્ટેનરમાંથી સીલ તોડીને 70 હજારના ધાણા તફડાવાયા

ગાંધીધામ, તા. 3 : રાધનપુરથી નીકળેલું કન્ટેનર આદિપુર પહોંચે તે પહેલાં આ વાહનના પાછળના સીલ તોડી કોઇ શખ્સો તેમાંથી રૂા. 70,000ની 35 બોરી ધાણાની ચોરી કરી નાસી ગયા હતા. કિડાણાના લક્ષ્યનગર-4માં રહેનારા નરપતસિંહ જયેન્દ્રસિંહ રાણા ત્રિશૂલ ટ્રાન્સપોર્ટમાં કામ કરે છે. આ યુવાન ગત તા. 1-7નાં ઊંઝા ખાતે કન્ટેનર વાહન નંબર જી.જે. 12-એ ડબલ્યુ 4111 લઇને ગયો હતો. ત્યાં તે પી.સી. કન્નન  કંપનીમાં ગયો હતો. જ્યાંથી 9140 કિલો ધાણા પોતાના વાહનમાં ભરાવ્યા હતા. આ માલ લઇને મુંદરા પોર્ટ ખાતે પહોંચાડવાનો હતો. આ ચાલક ઉમૈયા વે બ્રિજમાં કાંટો કરાવી ત્યાંથી મુંદરા આવવા નીકળ્યો હતો. પાટણ, હારીજ, સમી, રાધનપુર થઇને તે રાધનપુર નજીક રામદેવ હોટેલના વાડામાં રોકાયો હતો. જ્યાંથી 2-7ના નીકળતી વેળાએ તેણે કન્ટેનરની તપાસ કરતાં ત્યારે સીલ લાગેલા હતા. સવારે 10 વાગ્યાની આસપાસ તે આદિપુર જનતા પેટ્રોલપંપ પાસે પહોંચ્યો હતો ત્યારે તેણે વાહન ઊભું રાખી પૈડાં અને સીલ તપાસ કરવા જતાં સીલ તૂટેલું જણાયું હતું. પોલીસે જણાવ્યું હતું કે રસ્તામાં કયાંક ચાલુ વાહનના સીલ તોડી કોઇ શખ્સો રૂા. 70,000ની 35 બોરી ધાણા ચોરી કરીને નાસી ગયા હતા. રસ્તામાં વચ્ચે આવેલા ટોલ નાકાના સી.સી. ટીવી કેમેરાની તપાસ સહિતની આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer