બળદિયા જુગાર કેસમાં જમાદારનો પટ્ટો ઉતર્યા બાદ દોડાદોડ...એસીબી પર ગુપ્તતા લીક કર્યાના આક્ષેપ

ભુજ, તા. 3 : ગત વર્ષે 30, નવેમ્બરે બળદિયા સીમમાં જુગારનો દરોડો પડયો, ફરિયાદ નોંધાઇ, તપાસ થઇ... તાજૂબની વાત એ બની કે આરોપીઓની સજાને બદલે જમાદારનો પટ્ટો ઉતરી ગયો.. શિકારી ખુદ શિકાર હો ગયા, પર કયું ?? ફરિયાદીએ જમાદાર સાથેની વાતચીતની શ્રાવ્ય સાબિતી  રજૂ કરતાં પગલાં લેવાયાં છે. પોલીસની ફરજ જ એવી છે કે આક્ષેપો સહેજે થયા કરે, પણ કયારેક સામાન્ય વ્યક્તિ જાગૃતિ બતાવે, આક્ષેપ સાબિત કરે તો મોટા અમલદારના પટ્ટા પણ ઉતરી જાય.. આવો એક બનાવ હાલ પોલીસ બેડાંમાં ભારે ચર્ચામાં છે. ગત વર્ષે જુગારની રેડ પાડનાર કેરા પોલીસ થાણાના જમાદાર દિલીપસિંહ કાંથુભા જાડેજાને નિર્દોષ વ્યક્તિને કેસમાં ફસાવવા સંબંધે જિલ્લા પોલીસ વડાએ ફરજ મોકૂફ કરવાનો આદેશ 16 જૂનના કર્યો હતો. આ બનાવ સંબંધે જેના પર ભ્રષ્ટાચાર પકડવાની જવાબદારી છે તેવી એસીબી ઉપર ગુપ્તતા લીક કર્યાની અરજ, નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો અમદાવાદને થતાં વછૂટેલા આદેશ બાદ સ્થાનિક તંત્ર દોડતું થઇ ગયું છે. જુગાર મામલામાં પોતાને ખોટો ફસાવાઇ રહ્યાની અરજી સાથે બળદિયામાં છકડો ચલાવતા મકવાણા મુરજી ભોજાએ આઇ.જી., કલેકટર તેમજ રાજ્યના પોલીસ તંત્રને રજૂઆતો કરી હતી. તેમનો આક્ષેપ એવો છે કે ફરજમોકૂફ થયેલા જમાદારે આર્થિક શોષણ માટે ખોટી રીતે નામ ઉમેર્યું અને બાદમાં નાણાં માંગ્યાં હતાં. તે સંબંધે વારંવાર ભુજ લાંચ-રૂશ્વત વિભાગના અધિકારી શ્રી ગોહિલ અને એસીબી પી.આઇ. શ્રી ચૌધરી સમક્ષ રજૂઆતો કરાઇ હતી, પણ ફરિયાદીના આક્ષેપ મુજબ એસીબીએ તપાસ કરવાની બાજુમાં રહી, આરોપીને કેફીયત જણાવી દઇ ગુપ્તતા લીક કરી હતી. હવે ઉપલી કચેરીએ આ મામલે પુન: તપાસ ભુજ એસીબીને જ સોંપતા ફરિયાદી કહે છે; જેમની સામે ફરિયાદ, એ તપાસ કેવી કરશે ? અત્રે ઉલ્લેખનીય છે કે, નારાણપરના ખેડૂતની ભેંસો ચોરી જવાના મામલે પી.આઇ. શ્રી દેસાઇનો પટ્ટો પણ ઉતર્યો હતો તે પછી આ બીજો બનાવ છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer