કિડાણાના મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી

ગાંધીધામ, તા. 3 : તાલુકાના કિડાણામાં આવેલા ત્રિકમનગર વિસ્તારમાં પોલીસે જુગારધામ ઝડપી પાડયું હતું. આ મકાનમાંથી પાંચ શખ્સોની અટક કરી રોકડા રૂા. 13,200 જપ્ત કરવામાં આવ્યા હતા. કિડાણાના ત્રિકમનગર મકાન નંબર 286માં રહેનાર શખ્સ બહારથી ખેલીઓ બોલાવી તેમને જુગાર રમાડી નાલ ઉઘરાવી રહ્યો હોવાની પૂર્વ બાતમી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે અહીં છાપો માર્યો હતો. આ મકાનમાં પત્તા ટીંચતા અને જુગાર રમાડનારા રમેશ પચાણ મકવાણા, નથુ વેરા ગોહિલ, માવજી નગા રાઠોડ, પાંચા હજા સોલંકી અને નારાણ અમરા ભરવાડ નામના શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. મકાનને અંદરથી બંધ કરી ગંજીપાના વડે નસીબ અજમાવતા આ શખ્સો પાસેથી રોકડા રૂા. 13,200, ચાર મોબાઈલ તથા બાઈક નંબર જીજે- 12-ડીડી-3058 એમ કુલ રૂા. 58,700નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer