નંદાસર પુલ : ઉતાવળે આંબા પકવાયા?

નંદાસર પુલ : ઉતાવળે આંબા પકવાયા?
ગાંધીધામ, તા. 2 : નર્મદા કેનાલનાં કામમાં ભ્રષ્ટાચારને ઉજાગર કરનારા રાપર તાલુકાના નંદાસર ખાતેના પુલનાં સમારકામમાં અડધા પુલની સ્લેબ ભરાયા બાદ પાણી વહેતું કરવાના નિર્ણયમાં ઉતાવળ તો થઈ નથી રહીને, તેવો સવાલ વાગડ  પંથકના જાગૃતો ઉઠાવી રહ્યા છે. રાજકીય હુંસાતુંસીમાં  લેવાયેલા આ નિર્ણયથી ભવિષ્યમાં પણ આ જ પરિસ્થિતિનું પુનરાવર્તન થવાની ભીતિ સેવાઈ રહી છે. કચ્છ શાખા નહેરની  સાંકળ 132 ખાતે નંદાસર ગામ ખાતે પ્રાંથળ અને ધોળાવીરા માટે મહત્ત્વનો એવો આ પુલ  ધરાશાયી થઈ જતાં કામમાં ભ્રષ્ટાચારનો મુદ્દો વ્યાપકપણે ચર્ચાયો હતો. પુલનાં સમારકામ માટે કેનાલ બંધ કરાતાં રાપર ઉપરાંત ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પાણીની ભારે ખેંચ ઊભી થઈ હતી.કેનાલ બંધ થવાની સાથે ડાયવર્ઝન કરાતાં પ્રાંથળ વિસ્તાર અને ધોળાવીરા  તરફ જતા રસ્તા માટે ડાયવર્ઝન  કરાતાં આ વિસ્તારમાં થતી વાહનોની અવરજવર ધીમી પડી છે. પહેલાં નહેર ચાલુ થશે કે પુલ તે મુદ્દે હુંસાતુંસી સર્જાઈ હતી. એક ભાગની સ્લેબ ભરાઈ જતાં બુધવારે કેનાલમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. ત્યારે અધૂરાં કામ વચ્ચે  પાણી શરૂ કરવું જોખમી સાબિત નહીં થાયને તેવી ભીતિ જાગૃતો વ્યકત કરી રહ્યા છે. હજુ બીજી સાઈડના પુલનું કામ ચાલુ  છે.  નિગમના સૂત્રો પાંચેક દિવસમાં કામ પૂરું થઈ જવાનું કહી રહ્યા છે.  પરંતુ પુલ સંપૂર્ણપણે ચાલુ કરવામાં  ઘણા દિવસો નીકળી જશે એ દેખાય છે. પ્રાંથળ અને ધોળાવીરા તરફ આવતો-જતો વાહનવ્યવહાર હજુ સુધી ડાયવર્ટ જ રહેશે. આ પેલ પ્રાંથળ વિસ્તાર માટે ખૂબ મહત્ત્વનો છે. ડાયવર્ઝનના કારણે એ તરફનો વાહનવ્યવહાર ધીમો પડી ગયો છે. ત્રણ કિ.મી.નો ફેરો વધે છે જે ખર્ચાળ છે. અધૂરાં કામ વચ્ચે નહેર ચાલુ કરવા પાછળ રાજકીય હુંસાતુંસી જવાબદાર હોવાનું અંતરંગ વર્તુળો જણાવી રહ્યા છે. દરમ્યાન બુધવારે નહેરમાં પાણીનાં અવતરણ વેળાએ ભચાઉ અને રાપર તાલુકાનું પ્રતિનિધિત્વ કરતા શાસક પક્ષના જ પ્રજાકીય પ્રતિનિધિઓની ગેરહાજરી જણાઈ હતી. આ વેળાએ માંડવીના ધારાસભ્યની હાજરી હતી. ભચાઉ અને રાપરનું પ્રતિનિધિત્વ કરતા રાપર કે ગાંધીધામના ધારાસભ્યની  હાજરી ન હતી.રાપરના ધારાસભ્ય કોંગ્રેસી છે, તો રાપર તાલુકાનું પ્રતિનિધિત્વ કરતા જિલ્લા પંચાયતના પ્રમુખની ગેરહાજરી પણ  ચર્ચાની એરણે ચડી છે. દરમ્યાન આ મુદ્દે નર્મદા નિગમ કચ્છ  શાખા નહેર સંભાળતી કચેરીનો સંપર્ક સાધતાં  સંબંધિત અધિકારીએ જણાવ્યા પ્રમાણે પુલ નીચેથી પાણી ધીમેથી છોડવામાં આવતું હોઈ  તેનાથી પુલને કોઈ  નુકસાની નહીં થાય. વળી સૂચક છે કે આ પાણી છોડવાનો નિર્ણય ગાંધીનગરથી લેવાયો છે અને ત્યાંથી જ ભારપૂર્વક કહેવાતાં ધીમું પાણી વહેતું કરી દેવાયું છે. તાજેતરમાં કચ્છ  ભારતીય કિસાન સંઘના પ્રતિનિધિ મંડળ દ્વારા લેવાયેલી માંજુવાસથી ચોબારી સુધીની કેનાલની  મુલાકાત  દરમ્યાન માત્ર નાનાં ગામડાંઓ વચ્ચેના પુલ પણ નબળા પડી ગયા હોવાનો આક્ષેપ કરાયો હતે.  કેનાલમાં પાણી શરૂ કરવા મામલે ઉતાવળે આંબા પકવવાની નીતિ ફરી જોખમી સાબિત થશે, તેવો  આક્ષેપ જાણકારો કરી રહ્યા છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer