જો ખેતમજૂર પરત નહીં આવે તો ખેડૂતોને આત્મનિર્ભર બનવું પડશે

જો ખેતમજૂર પરત નહીં આવે તો ખેડૂતોને આત્મનિર્ભર બનવું પડશે
કૌશલ પાંધી દ્વારા-  ભુજ, તા. 2 : વરસાદની અનિયમિતતા અને અન્ય અનેક કુદરત-માનવસર્જિત મુશ્કેલીઓનો માર ખમીને કચ્છનો ખમીરવંતો ખેડૂત સરહદી અને જેની સૂકા જિલ્લા તરીકે ગણતરી થતી તેવા કચ્છનું નામ વિશ્વફલક પર રોશન કરી રહ્યો છે પણ જિલ્લામાં ખેતીનો મુખ્ય આધાર સમો ખેતમજૂર વર્ગ લોકડાઉનને પગલે વતન ભણી ચાલ્યો જતાં એક તબક્કે તો ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયાં છે પરંતુ ઘઉંનો પાક લેવાઇ ગયો અને કપાસનો પાક નવરાત્રિ-દિવાળી વખતે લેવાશે અને ત્યાં સુધી મજૂરો પરત કચ્છ આવી જશે તેવી આશા સેવાઇ રહી છે. પણ, જો મજૂરવર્ગ પરત નહીં આવે તો કપાસના પાકને અસર પહોંચશે સાથોસાથ કચ્છના ખેડૂતોને જાતમહેનત જિંદાબાદનું સૂત્ર અપનાવવું પડશે. કોરોના વાયરસે વિશ્વને ભરડામાં લીધું છે. ગુજરાતમાં પણ મૃત્યુના આંક ચિંતા જગાવનારા છે. આવી પરિસ્થિતિને પગલે સરકાર દ્વારા લોકડાઉન અમલી કરાયું. પ્રારંભે એવું લાગતું હતું કે, થોડા દિવસોમાં લોકડાઉન ખૂલી જશે પરંતુ કેસ વધતાં તકેદારીરૂપ લોકડાઉન ચાલુ જ રખાયું. જેમાં તમામ ધંધા-રોજગાર બંધ થતાં ખાસ કરીને મજૂરવર્ગની હાલત કફોડી થઇ ગઇ પરંતુ હવે લોકડાઉન વધુને વધુ હળવું બનાવી છૂટછાટ અપાઇ રહી છે. વાહનવ્યવહાર શરૂ થતાં જ આ વર્ગે વતનની વાટ પકડી. જેને કારણે નાના ઉદ્યોગોથી માંડી મોટી કંપનીઓ અને ખાસ તો  ખેતી ક્ષેત્રેને અસર પહોંચશે તેવી જાગૃત નાગરિકોમાં ભીતિ વ્યકત થઇ. આ બાબતે ભુજ, માંડવી, અબડાસા તાલુકાના ખેતી આધારિત ગામોનો ચિતાર મેળવવા પ્રયાસ કરતાં હાલ તો ખેતમજૂરની જરૂર નથી પણ આવનારા દિવસોમાં જો આ વર્ગ પરત ન આવે તો ખેંચ ચોક્કસ વર્તાશે અને ઉત્પાદન ઘટે તેવી શક્યતા વ્યકત થઇ રહી છે. કોટડા ચકારના પ્રતિનિધિ ફકીરમામદ ચાકીનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, મોટા બંદરા, સણોસરા, ભલોટ, ચંદિયા, જાટાવાડા, કોટડા ચકાર સહિત 25થી 30 ગામોના ખેડૂતો મુખ્યત્વે દાડમ, શાકભાજી, કેળા, પપૈયાનો પાક લેતા હોય છે. લોકડાઉનને પગલે 50થી 60 ટકા મજૂરો વડોદરા, સાબરકાંઠા સહિત તેમના વતન જતા રહેતાં મજૂરોની જબરદસ્ત ખેંચ વર્તાઇ રહી હોવાનું જણાવ્યું હતું. અલબત્ત, અમુક લોકો વાડીમાં રોકાઇ જતાં તેમના થકી ગાડું ગબડાવી રહ્યા છે. ઉપરોકત પાક લેવામાં સમય ઓછો મળતાં બજારમાં તેની અસર વર્તાઇ રહી છે. હાલ મજૂરો ચાલ્યા જતાં અને પરત આવશે કે, કેમ તેની અવઢવ વચ્ચે ખેડૂતો ચોમાસુ પાક લેવાનું ટાળી રહ્યા છે. તો, ઘઉંની સિઝન પૂરી થઇ ગઇ અને કપાસ વીણવા વખતે મજૂરોની જરૂર પડશે તેવું પ્રતિનિધિ મનોજ સોનીએ જણાવી ઉમેર્યું કે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહારથી ખેતમજૂર પરિવારો કપાસ વીણવા આવતા હોય છે. કોઠારા, વાંકુ, ભરાડિયા, વાડાપદ્ધર સહિત 50થી 60 ગામોમાં નવરાત્રિ-દિવાળી આસપાસ કપાસનો પાક ઉતરશે ત્યારે મજૂરોની જરૂર પડશે અને ત્યાં સુધી તો મજૂરવર્ગ પરત આવી જશે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે. માંડવી તા.ના કોડાય, જખણિયા, પિયાવા, રાયણ, પીપરી, નાના આસંબિયા સહિતના ગામોમાં ખેતમજૂરની ખાસ કોઇ ખેંચ વર્તાઇ નથી તેવું પ્રતિનિધિ જીવરાજ ગઢવીએ જણાવી ઉમેર્યું કે, છોટા ઉદેપુર, પાવાગઢ વિ. ગામોમાંથી આવતા મજૂરો જો બાળકોની પરીક્ષા લેવાઇ ગઇ હોત તો આ પરિવારો વતન ચાલ્યા ગયા હોત. પણ બાળકોના શિક્ષણને અસર ન પહોંચે તે માટે અમુક મજૂરો રોકાયા છે જેને પગલે ખેતીના કામમાં ખાસ અસર નથી પડી.  જો કે, આ જ તાલુકાના ગઢશીશા વિસ્તારમાં મજૂરોની ખેંચ વર્તાતી હોવાનું પ્રતિનિધિ જિજ્ઞેશ આચાર્યે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, અમુક મજૂરો હોળી વખતે જ વતન ચાલ્યા ગયા હતા અને થોડા પરિવારો તાજેતરમાં જ ચાલ્યા ગયા. પટેલ ચોવીસીના ગામોમાં ખેડૂતો જાતે જ મહેનત કરતા હોવાથી તેમને મજૂરોની ખાસ ખેંચ નથી વર્તાતી. ભાજપ કિસાન મોરચાના પ્રમુખ મહેન્દ્રભાઇ રામાણી (રત્નાપર)નો તેમણે સંપર્ક સાધતાં જણાવ્યું કે, વાવણી ચાલુ થઇ ગઇ છે. આ વિસ્તારમાંથી 90થી 95 લોકો તેમના વતન જતાં મુશ્કેલી વર્તાઇ રહી છે અને ખેડૂતોને જાત મહેનત જિંદાબાદનું સૂત્ર અપનાવવું પડશે તેમ ઉમેર્યું હતું.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer