વાગડમાં મધરાત્રે બે ઇંચ વરસાદ

વાગડમાં મધરાત્રે બે ઇંચ વરસાદ
ભુજ, તા. 2 : સકર્યુલેશનની અસર તળે આગામી સપ્તાહે કચ્છમાં ભરપૂર વરસાદની આગાહી વચ્ચે ગત રાત્રે રાપર તાલુકા પર એક કલાકમાં બે ઇંચ મેઘમહેર થઇ હતી. પશ્ચિમ કચ્છના છેવાડાના લખપત તાલુકામાં  બુધવારની રાત્રે ડરામણા વીજકડાકા જ થયા જ્યારે બન્નીમાં અર્ધો ઇંચ પાણી  વરસતાં માલધારીઓ ગેલમાં આવી ગયા હતા. `વરસે તો વાગડ ભલો' એ ઉકિતને યાદ કરતાં વાગડવાસીઓએ આપેલી વરસાદની વિગતો અનુસાર ગત મોડી રાત્રે ભારે કડાકાભેર વીજળી અને મેઘગર્જના સાથે જોશભેર વરસાદ તૂટી પડયો હતો. રાત્રે 11.30થી 12.30 સુધી એ જોશ જારી રહ્યો હતો અને દોઢથી બે ઇંચ પાણી વરસ્યું હતું. રાપરમાં 51 મિ.મી. વરસાદ નોંધાયો હતો. રાપરમાં લાંબા વિરામ બાદ પુન: પધરામણી કરનારા મેઘરાજાએ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરી દીધા હતા મગ, બાજરી, મગફળી, જુવાર, ગુવાર, કોરડ સહિતનો પાક લેનારા ખેડૂતોએ મન ભરીને આ વરસાદને આવકાર્યો હતો. 51 મિ.મી. સાથે મોસમનો કુલ વરસાદ 169 મિ.મી. થયો છે. તાલુકાના રવ, કલ્યાણપર, નંદાસર,ખેંગારપર, નીલપર, રામવાવથી ઠેઠ ત્રંબૌ સુધી વરસાદના વાવડ છે. ગામડાઓમાં નદીઓ વહી નીકળી હોવાનું સતુભા જાડેજાએ જણાવ્યું હતું. બીજી તરફ લખપત પ્રતિનિધિના જણાવ્યાનુસાર ગાજવીજ સાથે ગગન ગોરંભાયું છતાં વરસાદ વરસ્યો ન હતો. ઉકળાટ અને વરસાદ પૂર્વેના આળંગની ગરમીથી ત્રસ્ત નાગરિકો વીજળીના કડાકાથી  આશા સેવતા હતા પણ મેઘરાજાએ માત્ર ડારા-ડફારા કર્યા અને નીકળી ગયા હતા. ભુજ તાલુકાના બન્ની પર પણ બુધવારની રાત્રે બારેય મેઘ ખાંગા થઇને વરસે તેવા વીજળીના લીસોટા અને `ગજણ'ના ડરામણા અવાજ સાથે વરસાદ તૂટી પડયો હતો પણ અર્ધો એક ઇંચ વરસીને એ તોફાન ખસી ગયું હતું. જોકે, માલધારીઓના મુલકમાં વરસાદ થકી રોનક આવી ગઇ હતી. પશુઓ માટે ઠેર ઠેર પાણી ભરાતાં રાહત થઇ હતી. વેકરિયામાં પણ પાણી ભરાયાં હતાં. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer