કચ્છની બહેનોને લોકરક્ષક દળમાં યોગ્ય સ્થાને નિમણૂક આપવા રજૂઆત

કચ્છની બહેનોને લોકરક્ષક દળમાં યોગ્ય સ્થાને નિમણૂક આપવા રજૂઆત
ભુજ, તા. 2 : છેલ્લા લાંબા સમયથી લોકરક્ષક દળમાં બહેનોની ભરતી વિવાદમાં રહી છે. ગાંધીનગરમાં 72 દિવસના આંદોલન બાદ રાજ્ય સરકારે સમાધાન ફોર્મ્યુલા અપનાવી બહેનોનું આંદોલન શાંત પાડયું હતું જેને પણ ત્રણ મહિના જેવો સમય થઇ ગયો છે છતાં હજુ સુધી એલ.આર.ડી.ની બહેનોને હાજર કરવામાં નથી આવ્યા, જેથી કચ્છની દીકરીઓને ન્યાય આપી યોગ્ય સ્થાન પર નિમણૂક આપવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એલ.આર.ડી. બહેનોને વહેલી તકે નિમણૂક આપવા બાબત કચ્છ જિલ્લામાંથી એલ.આર.ડી. બેહનો તેમજ કચ્છ જિલ્લા યુવા પ્રતિનિધિ નીલ વિઝોડા દ્વારા કલેક્ટરને આવેદનપત્ર મારફતે સરકારમાં રજૂઆત કરાઈ હતી અને આ આવેદનમાં વધુમાં જણાવાયું હતું કે, જો 15/07/2020 સુધીમાં એલઆરડીની બહેનોને હાજર કરવામાં નહીં આવે તો ફરી એકવાર ગુજરાતમાં રાજ્યવ્યાપી આંદોલન થશે, જેથી કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકાર અમને આંદોલન કરવા  માટે મજબૂર ન કરે  અને વહેલી તકે બહેનોને હાજર કરે. આવેદનપત્રની મુખ્ય બાબતોમાં કચ્છ જિલ્લાની દીકરીઓને પૂર્વગ્રહપૂર્વકની નીતિથી જે ખૂબ જ અંતરિયાળ જિલ્લાઓમાં મૂકવામાં આવી છે તેવી ગુજરાત- કચ્છની દીકરીઓ સેવા ફરજ બજાવી રહી છે તે  ફરજ પૂર્ણ નિષ્ઠા સામે કહેવાતી સંવેદનશીલ સરકાર કચ્છની દીકરીઓને ન્યાય આપી  તેમના યોગ્ય સ્થાન મુજબ ફરજ પર મોકલે અન્યથા રાજકીય નેતાઓ સામે જલદ આંદોલન થશે તેવું પણ જણાવાયું હતું. આ આવેદનપત્ર આપતી વખતે નીલ વિઝોડા, સંજય મહેશ્વરી, મુકેશ ભરૂડિયા, જિજ્ઞાબેન, ભક્તિબેન, વનિતા જાદવ, લક્ષ્મીબેન, દેવીબેન, જોમીબેન, લાડુ બેન હાજર રહ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer