સર્ક્યુલેશનની અસરથી કચ્છમાં 5-6 જુલાઇએ ભારે વરસાદની વકી

સર્ક્યુલેશનની અસરથી કચ્છમાં 5-6 જુલાઇએ ભારે વરસાદની વકી
ભુજ, તા. 2 : દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના વિસ્તારમા 3.1થી 7.6 કિમીની ઊંચાઇએ સર્જાયેલું સાયકલોનિક સકર્યુલેશન દક્ષિણ-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આ સર્ક્યુલેશનની અસરથી 5-6 જુલાઇ એટલે કે રવિ-સોમવારના કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. શનિવાર સુધી છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે વરસતો રહેવા સાથે શનિવારના બપોર બાદથી વરસાદની માત્રા-વિસ્તાર  વધશે. કચ્છ ઉપરાંત રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં મેઘાવી માહોલ જળવાયેલો રહે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. આષાઢી બીજથી મેઘવિરામના માહોલ વચ્ચે છેલ્લા બે દિવસથી ઝાપટાંરૂપે વરસાદે પોતાની હાજરી પુરાવી છે. અષાઢ માસ અડધો વીતવાના આરે છે ત્યારે નદી-નાળાં છલકાય તેવે વરસાદ વરસવાની પ્રાર્થના થઇ રહી છે. દરમિયાન કંડલા પોર્ટ 39.1 ડિગ્રી તાપમાને તાપથી અકળાયું હતું. કંડલા પોર્ટ રાજ્યનું બીજા ક્રમનું ગરમ મથક બન્યું હતું. કંડલા (એ)માં 38.5, ભુજમાં 37 અને નલિયામાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. લઘુતમ પારો ગગડતાં રાત્રે ઉકળાટની ઓછી અનભૂતિ થઈ રહી છે. ખાવડામાં પારો 40 ડિગ્રીએ પહોંચતાં રણકાંધી અકળાઇ ઊઠી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer