માંડવી સ્વામિનારાયણ મંદિરે ખારેક ઉત્સવ

માંડવી સ્વામિનારાયણ મંદિરે ખારેક ઉત્સવ
માંડવી, તા. 2 : પ્રકૃતિએ ઋતુ પ્રમાણે આપણને જુદા જુદા ફળો આદી વસ્તુઓ આપી છે, જે કુદરતી વસ્તુઓનો માનવજીવનના આરોગ્ય અને પ્રકૃતિ સાથે સીધો સંબંધ છે, ત્યારે અષાઢ મહિનામાં કચ્છમાં ખારેકનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થાય છે. કચ્છ ખારેકને કચ્છી મેવો પણ કહેવામાં આવે છે. સ્વાભાવિક છે ખેડૂતપુત્ર પોતાની ઉપજનો એક હિસ્સો ભગવાન માટે કાઢતો હોય છે. આ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા ખેડૂતો કોઇપણ ધન-ધાન કે ફળ-ફળાદી પ્રથમ સ્વામિનારાયણ મંદિરે પહોંચાડતા હોય છે. પવિત્ર દેવશયની એકાદશીના માંડવી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન દેવો સન્મુખ જુદા-જુદા પ્રકારની ખારેકો પધરાવીને ખારેક અન્નકૂટ ઉત્સવની ઉજવણી કરાઇ હતી અને સાથોસાથ ચાતુર્માસની કથાનો પણ પ્રારંભ થયો હતો. આ ખારેક ઉત્સવ શરૂ થતાં મંદિરમાં બિરાજમાન દેવોની આરતી મંદિરના મહંત સ્વામી દેવપ્રકાશદાસજી તથા વડીલ સંત પ્રભુચરણદાસજી સ્વામી, સ.દ.ગુરુ સ્વામીઓમાં અક્ષરવલ્લભદાસજી, જ્ઞાનપ્રકાશદાસજીએ કરી હતી. આ ઉત્સવની વ્યવસ્થામાં સ્વામી નારાયણવલ્લભદાસજી, હરિસેવકદાસજી, પ્રભુસ્વરૂપ-દાસજી, આનંદવલ્લભ-દાસજી, કોઠારી હરિપ્રસાદદાસજી, રતનબાઇ, ઉપમહંત સા.યો. કાનબાઇ ફઇ તથા સા.યો. ધનબાઇ વિગેરેએ સંભાળી હતી. ખારેક ઉત્સવ તથા દેવશયની એકાદશીના યજમાન તરીકે સૂરજપરના દેવશીભાઇ વેલજી હાલાઇ પરિવાર જોડાયા હતા. ભુજ મંદિરની પરંપરા અને પ્રેરણાદાયી સંતો મહંત સ્વામી ધર્મનંદનદાસજી, સ.દ. ગુરુ સ્વામી પ્રેમપ્રકાશદાસજી, પાર્ષદ જાદવજી ભગતના સ્નેહભાવ સાથે ખાસ ઉત્સવ, સાથોસાથ ચાતુર્માસ દરમ્યાન શિક્ષાપત્રી ભાષ્ય અને શ્રીમદ ભાગવત કથાઓનું આયોજન પણ કરવામાં આવેલું છે. આ કથાની પૂર્ણાહુતિ ગોકુળ અષ્ટમીના થશે. કથાનું રસપાન શાત્રી સ્વામીઓ હરિકૃષ્ણદાસજી તથા આનંદવલ્લભદાસજી કરાવશે. આ શિક્ષાપત્રી કથાનો સમય સવારે 7થી 7.45 જ્યારે ભાગવત કથાનો સમય 7.45થી 8.30નો રહેશે. દેશાવરમાં વસ્તા લોકો યુ-ટયૂબના માધ્યમથી પણ આ કથાઓ નિહાળી શકશે. આ બન્ને કથાઓના મુખ્ય યજમાનો તરીકે મદનપુર હાલે ટરોરો કાંતિભાઇ મૂળજી મેપાણી, પૂનમબેન સહપરિવાર, માનકૂવાના નીતાબેન લાલજી શિયાણી, હર્ષિલ તથા જય સહપરિવાર રહ્યા છે. આ ચાતુર્માસ કથાઓની પ્રેરણા માનકૂવાના સા.યો. નાનબાઇ રામજી ભુડિયા તથા માંડવીના સા.યો. નાના મેઘબાઇએ કરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer