ગળપાદર ઓવરબ્રિજનું અટકેલું કામ હજુ કેટલા જીવ લેશે ?

ગળપાદર ઓવરબ્રિજનું અટકેલું કામ હજુ કેટલા જીવ લેશે ?
મનજી બોખાણી દ્વારા-  ગાંધીધામ, તા.2 : તાલુકાના ગળપાદર ગામની છાતી ઉપર આવેલા ઓવરબ્રિજનું કામ વરસોથી અટવાયેલું પડયું છે. ભુજોડી ઓવરબ્રિજની જેમ આ ઓવરબ્રિજની કામગીરી પણ આગળ વધતી નથી. અધૂરાં રહેલાં આ કામના કારણે અનેક લોકોએ પોતાના વહાલસોયાને ખોવાનો વારો આવ્યો છે. ગામલોકોએ અનેક વખત ચક્કાજામ સહિતનાં આંદોલનો કર્યાં છે, છતાં સરકારી તંત્રના પેટનું પાણી હાલતું નથી. અંતે 15 માર્ચ સુધીમાં કામ શરૂ?કરવાની લેખિત બાંહેધરી પણ?આપવામાં આવી હતી. તેમ છતાં આ કામ શરૂ કરાયું નથી. આમાં સ્થાનિક રાજકીય નેતાઓ કાચા પડયા હોવાનો અહેસાસ લોકોને થઇ રહ્યો છે. ગળપાદર નજીક એરપોર્ટ ચાર રસ્તાથી ગાંધીધામના ચૂંગી નાકા સુધીના માર્ગ ઉપર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી વરસો પહેલાં શરૂ?કરવામાં આવી હતી. જેમાં એરપોર્ટ ચાર રસ્તા ઉપર ઓવરબ્રિજ તથા ગાંધીધામના ચૂંગી નાકા પાસેનો ઓવરબ્રિજ બનાવી દેવામાં આવ્યો હતો. પરંતુ ગળપાદર ગામના પ્રવેશદ્વાર પાસે ઓવરબ્રિજની કામગીરી અટકી પડી હતી, જે આજે વરસો બાદ પણ?અટકેલી જ છે. અટકેલાં આ કામના કારણે અગાઉ?અનેક માનવજિંદગીઓ ખપ્પરમાં હોમાઇ છે. અનેક વખત  ગામલોકોએ ચક્કાજામ સહિતના કાર્યક્રમો આપ્યા છે. અનેક વખત રાષ્ટ્રીય ધોરીમાર્ગના અધિકારીઓએ ઠાલાં વચનો પણ આપ્યાં છે પણ કામ થતું નથી. ગત જાન્યુઆરી મહિનામાં ગામલોકોએ અને કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને ચક્કાજામ કરી માર્ગ ઉપર રામધૂન બોલાવી હતી.ગામલોકોના આ કડક આંદોલનના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગના અધિકારીઓ દોડી આવ્યા હતા અને 15 માર્ચ સુધીમાં કામ શરૂ કરવાની લેખિતમાં બાંહેધરી આપી હતી. જે તે વખતે તત્કાલીન પ્રાંત અધિકારીએ પણ રાષ્ટ્રીય ધોરીમાર્ગના અધિકારીઓના કાન આમળ્યા હતા, જેના કારણે પણ?ગતિવિધિ શરૂ?થઇ હતી.અનેક વખત તાલુકા પંચાયતના પ્રમુખ, ગામના સરપંચ અને અન્ય લોકોએ લેખિત-મૌખિક રજૂઆતો કરી હતી. આ અંગે તાલુકા પંચાયતના પ્રમુખ?ગીતાબેન મ્યાત્રા (આહીર)નો સંપર્ક કરતાં તેમણે કહ્યું કે, મેં હોદ્દો સંભાળ્યા તેના પ્રથમ દિવસે જ આ?અટકેલાં કામ માટે સરકારી તંત્રોને રજૂઆત કરી હતી. સંકલનની બેઠકમાં પણ અનેક વખત મુદ્દો ઉપાડયો છે પણ?આ બેઠકમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગના અધિકારીઓ હાજર જ રહેતા નથી. લોકડાઉન પૂરું થયું છે ત્યારે હવે ફરીથી ગામ લોકોને સાથે રાખીને આ મુદ્દે આંદોલન કરવાનું તેમણે જણાવ્યું હતું. તાલુકા કોંગ્રેસના પ્રમુખ ગનીભાઇ માંજોઠીએ કહ્યું હતું કે ગત જાન્યુઆરીમાં ચક્કાજામ કરાયો હતો ત્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગના અધિકારીઓએ અમને 15 માર્ચ સુધીમાં કામ શરૂ કરવાની લેખિતમાં બાંહેધરી આપી હતી. લોકડાઉન પૂરું થયું છે ત્યારે હવે ટૂંક સમયમાં કામ ચાલુ નહીં કરાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી તેમણે આપી હતી.ગામનાં હસમુખભાઇ સુથારે જણાવ્યું હતું કે, અગાઉના પ્રાંત અધિકારીએ કાન આમળતાં કામગીરી શરૂ કરી દેવાઇ હતી ત્યારે હાલના પ્રાંત પણ આવો જ કોઇ ચમત્કાર કરે તો રાષ્ટ્રીય ધોરીમાર્ગના અધિકારીઓ દોડતા થશે. અહીં દરરોજ નાના-મોટા અકસ્માત થાય છે, જેમાંથી મોટાભાગના બનાવો તો પોલીસના ચોપડે ચડતા જ નથી. કોઇ ગરીબ માણસને ભાંગફૂટ થાય તો તેવા લોકો માથે તો આભ તૂટી પડતું હોય છે. લોકડાઉનમાં પણ અન્ય સરકારી કચેરીઓની જેમ અહીં પણ ઓછા મજૂર રાખીને કામગીરી શરૂ કરી શકાઇ હોત તેવું તેમણે ઉમેર્યું હતું. અહીં ઓવરબ્રિજ બને તો મોટી ગાડીઓ ઉપરથી જ નીકળી જાય અને અકસ્માતનું પ્રમાણ ઘટે તેમ છે. અધૂરાં રહેલાં આ કામના કારણે જેટલાં પણ મોત થયાં છે તેની જવાબદારી રાષ્ટ્રીય ધોરીમાર્ગના અધિકારીઓ ઉપર બેસાડી તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવા પણ અમુક લોકોએ જણાવ્યું હતું. આ અંગે ગામના સરપંચ સામજીભાઇ આહીરનો સંપર્ક કરતાં તેમણે ફોન ઊંચકયો નહોતો. અધૂરાં રહેલાં આવાં કામો પાછળ અહીંના ઊંચા કદના રાજકારણીઓના કદ નાના પડયાં હોવાની ચર્ચા પણ લોકોમાં થઇ રહી છે. અહીંના રાજકારણીઓનું કેન્દ્ર કક્ષાએ તથા રાજ્ય કક્ષાએ કાંઇ ઉપજતું નહીં હોવાનો આક્ષેપ પણ લોકોએ કર્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer