અબડાસામાં પશુઓ માટે તાકીદની સારવાર શરૂ કરવા માગણી મુકાઈ

નલિયા, તા.2 : અબડાસામાં તાકીદના સમયની પશુ સારવાર સેવા માટે મોબાઈલ દવાખાના શરૂ કરવા માગણી ઊઠી છે. તાજેતરમાં પશુ દવાખાના યોજના જીવીકેઈએમઆરઆઈ અંતર્ગત આવી સેવા રાપર તાલુકાના સઈ, માંડવી તાલુકાના મોટા રતડિયા અને નખત્રાણા તાલુકાના વંગ ગામે શરૂ કરાઈ છે. અબડાસાનો મુખ્ય વ્યવસાય ખેતી પછી પશુપાલનનો છે. એક લાખ જેટલા મોટા પશુ (ગાય, ભેંસ), સવા લાખથી વધુ ઝીણો માલ છે. અબડાસામાં આમ તો હાજાપર, જખૌ, મોટા કરોડિયા માટે મોબાઈલ પશુ દવાખાના મંજૂર થયા છે. ગરડા વિસ્તારમાં પશુપાલન વ્યવસાય ફૂલ્યો-ફાલ્યો છે પણ ઢોરોના આરોગ્ય માટે ત્રીસેક ગામોમાં કોઈ સગવડ નથી. આમ પણ અબડાસામાં પશુ દવાખાનામાં નલિયા સિવાય ક્યાંય ફુલટાઈમ ડોક્ટર નથી. જેથી અંતરિયાળ ગામો કરમટા, ઉકીર, કેરવાંઢ, નાની મોટી ચરોપડી, વાયોર સહિતના વિસ્તારોને તાકીદની મોબાઈલ સેવાથી આવરી લેવા માલધારી પશુપાલકોએ માગણી કરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer