લાલન કોલેજ ફીડરમાં ત્રણ દિવસથી સર્જાતા વીજ ધાંધિયાથી લોકો અકળાયા

ભુજ, તા. 2 : ચોમાસાના આગમન સાથે જ શહેરમાં વીજધાંધિયા શરૂ થતાં શહેરીજનો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.ત્યારે  શહેરના લાલન કોલેજ ફીડરમાં તો છેલ્લા ત્રણ દિવસથી  દરરોજ સમયાંતરે વીજળી ગુલ થતાં આ વિસ્તારના  રહેવાસીઓની  અકળામણ વધી છે, તો વીજતંત્રના બેજવાબદારીભર્યા વલણ સામે સ્થાનિક રહેવાસીઓમાં  કચવાટ પણ જોવા મળી રહ્યો છે. લાલન કોલેજ ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં  ગત રાત્રિના દોઢ કલાક સુધી વીજપુરવઠો ખોરવાયો હતો. આ પૂર્વે સતત ત્રણ દિવસથી ક્યારેક રાત, ક્યારેક પરોઢ તો ક્યારેક બપોરના સમયે સમયાંતરે  વીજળી રૂસણા લેવાની સમસ્યા રોજિંદી બની છે. ગત રાત્રે એક વાગ્યાના અરસામાં લાઇટ ગયા બાદ અઢી વાગ્યે પરત આવી હતી. આ ફીડર હેઠળ આવતી સત્યમ સોસાયટીના સુનીલ દવે, ભરત ઠક્કર, દેવેન્દ્ર ચૌહાણ, રાજેન્દ્રસિંહ જાડેજા, ધીરેન યાદવ સહિતના  નાગરિકોએ પોતાનો આક્રોશ?વ્યકત કરતાં કહ્યું કે, લાઇટ ગયા બાદ સિટી-1ના ફરિયાદ નંબર પર વારંવાર ફોન કરવા છતાં ફરજ પરના જવાબદારોએ ફોન ઉપાડવાની તસ્દી ન લેતાં કંટાળેલા રહેવાસીઓ પીજીવીસીએલ ઓફિસે  પહોંચ્યા તો  ત્યાં પણ?તેમને કોઇ જવાબદાર ન મળતાં ધરમનો ધક્કો ખાવો પડયો હતો.રહેવાસીઓએ  એમ કહ્યું કે, કમસે કમ લાઇટ કેટલા સમયમાં પાછી આવશે એનો જવાબ મળી ગયો હોત તો પણ અમને સંતોષ થઇ જાત. અગાઉ આ વિસ્તાર સરપટ ગેટ ફીડરમાં હતા પણ જ્યારથી લાલન કોલેજ ફીડરમાં સમાવેશ કરાયો છે ત્યારથી સમસ્યા સતત ને સતત વકરી રહી છે. એ વાતેય કચવાટ વ્યકત કરવામાં આવ્યો હતો કે, હજુ તો ચોમાસાની શરૂઆત છે. ભારે વરસાદ કે વાવાઝોડાની સ્થિતિમાં તો કેટલીય સમસ્યા ઊભી થશે તો તેને નિવારવા માટે વીજતંત્ર સક્ષમ છે ખરું તેવો સવાલે ઉઠાવ્યો હતો.આ બાબતે ભુજ સિટી-1ના નાયબ ઇજનેર એન.ડી. ઠક્કરનો સંપર્ક સાધતાં તેમણે ભૂગર્ભ કેબલ બળી જવાના કારણે લાઇન ટ્રીપ થતાં ફોલ્ટ સર્જાયો હતો. જેના કારણે બે-ત્રણ દિવસથી  સમસ્યા સર્જાઇ હતી. જો કે, હવે આ ફોલ્ટ નિવારી લેવાયો છે, તો રાત્રિ દરમ્યાન ત્રણ લાઇનમેન ફરજ પર હોય છે. ફિડરમાં  મોટો ફોલ્ટ થાય ત્યારે ફરિયાદ કેન્દ્રમાં જ કદાચ કોઇ ન મળે એવું બની શકે.આ સમસ્યાને નિવારવા બે ટેલિફોન એટેન્ડેન્ટની જગ્યા ભરવા માટેની પ્રક્રિયા આરંભાઇ હોવાની વાત કરી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer