અબડાસા મતવિસ્તારના રસ્તા માટે 20.72 કરોડ

ભુજ, તા. 2 : અબડાસાના પૂર્વ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા ને અબડાસા મતવિસ્તાર હેઠળના ત્રણેય તાલુકાના 21 ગામોને જોડતા રસ્તાઓનાં રૂા. 21 કરોડના કામને  ઉપમુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે મંજૂરી આપી હતી. પ્રદ્યુમનસિંહ જ્યારે ધારાસભ્ય હતા એ સમયગાળા દરમ્યાન માર્ગ, મકાન વિભાગનો હવાલો સંભાળતા નીતિનભાઇ પટેલ સમક્ષ રજૂઆતો કરી હતી.  નોનપ્લાન હેઠળના હોય કે અન્ય સડક જે અત્યંત સુધારણા માગે છે. ક્યાંક તો સાવ નવા માર્ગ બનાવવા પડે એવા કામોને પણ મંજૂર કરી જોબ નંબર ફાળવવામાં આવ્યા છે.નોનપ્લાન હેઠળના એવા સુમરીદાદી એપ્રોચ રોડ માટે રૂા. 2.35 કરોડ, દયાપર શિવમંદિરને જોડતા રસ્તા માટે 97 લાખ, અબડાસાના મોથાળાના બસ સ્ટેશનથી પોલીસચોકી સુધીના એપ્રોચ રોડ માટે રૂા. 1 કરોડ, જાડાયથી સમંડા માટે 2.20 કરોડ, લાખિયારવીરા - દેવીસર રોડના 1.50 કરોડ, બિબ્બરના રોડના રૂા. 2 કરોડ, ચંદ્રનગરના રૂા. 1.75 કરોડ ફાળવવામાં આવ્યા છે. એવી જ રીતે કનકપર, નુંધાતડ, હાજાપર રસ્તા માટે રૂા. 2 કરોડ, સામજિયારા એપ્રોચ રોડના રૂા. 30 લાખ, સણોસરા-નાન્દ્રા રોડ માટે રૂા. 1.65 કરોડ, લખપત, નખત્રાણાના નાના-મોટા 8 રોડના રૂા. 4.20 કરોડ, બાલાપર તથા વિભાપર માટે રૂા. 85 લાખ એમ કુલ્લ મળીને રૂા. 20.72 કરોડની ધનરાશિ ફાળવવામાં આવી છે. શ્રી જાડેજાએ આ રસ્તાઓના કામને ઝડપથી મંજૂરી મળે તે માટે સતત પ્રયાસ કર્યા હતા અને ગ્રામજનોની રજૂઆતો પણ હતી તેથી સરકારે બે દિવસ પહેલાં જ નાણાં ફાળવવાનો નિર્ણય કર્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer