કે.ડી.સી.સી. આર્થિક ગફલામાં વધુ એક આરોપીને હાઇકોર્ટે જામીન આપ્યા

ભુજ, તા. 2 : કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કના કરોડો રૂપિયાના ગફલાવાળા મંડળીઓ સંલગ્ન મામલામાં છેલ્લે ધરપકડ કરાયેલા 26 આરોપી પૈકીના ભૂમિકા સેવા સહકારી મંડળીના હોદ્દેદાર ગિરિરાજાસિંહ કનુભા જાડેજાને રાજ્યની વડી અદાલત દ્વારા જામીન અપાયા હતા. હાઇકોર્ટમાં આ અંગે હાથ ધરાયેલી સુનાવણી દરમ્યાન ન્યાયાધીશે આ કેસની તપાસ પૂર્ણ થઇ ચૂકી હોવાથી અને આરોપીનો ઇતિહાસ ગુનાહિત ન હોવા સહિતનાં પરિબળોને કેન્દ્રમાં રાખીને ગિરિરાજાસિંહ જાડેજા માટે કરાયેલી જામીન અરજીને મંજૂર કરતો આદેશ કર્યો હતો. આરોપીના વકીલ તરીકે હાઇકોર્ટમાં કૃતિબેન શાહ અને સ્થાનિકે અમિત એ. ઠક્કર રહ્યા હતા. વાહન મુકત કરવાનો હુકમબીજી બાજુ ભુજ તાલુકાના કાળી તળાવડી વિસ્તારમાં વરસાદના કારણે ધોવાઇ ગયેલા માર્ગની ખેડૂતો દ્વારા સ્વખર્ચે મરંમત કરવાની કાર્યવાહી દરમ્યાન ગત મહિનામાં પોલીસ દ્વારા ડિટેઇન કરીને ખાણ-ખનિજ ખાતાને સુપરત કરાયેલા ડમ્પરને મુક્ત કરવાનો આદેશ કરાયો હતો. દંડનીય રકમ જેટલી બેન્ક ગેરન્ટી લઇને ખાણ-ખનિજ ખાતાએ આ વાહન મુક્ત કર્યું હતું. આ કેસમાં અરજદારના વકીલ તરીકે ગુલાબખાન આઇ. પઠાણ, એલ.એચ. માતંગ, એમ.પી. સીજુ, મિતેષ ગોસ્વામી, કુ. જુલી ગોહિલ, સિકંદર ખત્રી, રાજેશ ગાગલ અને સુરેશ છાંગા રહ્યા હતા. પોલીસ કર્મચારી નિર્દોષ ઠર્યા  દરમ્યાન ભુજ તાલુકામાં ખાવડા સ્થિત કાળાડુંગર ખાતે બંદોબસ્ત દરમ્યાન મહિલા પોલીસ કર્મચારીને કનડગત કરી તેની છેડતી કરવા સહિતના એટ્રોસીટી કલમવાળા મામલામાં તત્કાલીન માંડવી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ શૈલેન્દ્રાસિંહ રવુભા જાડેજાને નિર્દોષ ઠેરવતો ચુકાદો જિલ્લા અદાલતે આપ્યો હતો. અધિક સેશન્સ જજની કોર્ટએ આ ચુકાદો આપ્યો હતો. આ કેસમાં આરોપીના વકીલ તરીકે આર.એસ. ગઢવી રહ્યા હતા.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer