ભચાઉ-ભુજોડીમાં બન્યા નથી ને હવે ભુજમાં ઓવરબ્રિજ !

ભચાઉ-ભુજોડીમાં બન્યા નથી ને હવે ભુજમાં ઓવરબ્રિજ !
ભુજ, તા. 1 : ભુજવાસીઓ માટે વિકાસની દૃષ્ટિએ સારા સમાચાર છે પણ ભચાઉ અને ભુજોડી પાસે છેલ્લા આઠ વર્ષથી અટકી ગયેલા ઓવરબ્રિજના કામને જોતાં એક મોટો ચિંતાનો વિષય સામે આવી રહ્યો છે. હા, ભુજ શહેરના હાર્દ સમા જ્યુબિલી ગ્રાઉન્ડ પાસેથી એક મહાકાય પ્રથમ પુલના કામને મંજૂરી મળી છે. જે સાકાર થશે ? મોટા મોટા મુંબઈ ને અમદાવાદમાં નિર્માણ પામેલા ઓવરબ્રિજને જોતાં ભુજવાસીઓને મનમાં ક્યારેક વિચાર આવતો હશે કે ભુજમાં આવા ઊંચા પુલ ક્યારે બનશે ? પરંતુ આ પુલ બનશે ક્યારે એ તો ભગવાન જાણે પરંતુ સરકારે નિર્માણ માટે મંજૂરી આપી છે. પ્રાપ્ત થયેલી માહિતીના આધારે જાણવા મળ્યું કે ઓવરબ્રિજનું કામ રાજ્યના માર્ગ અને મકાન વિભાગને સોંપવામાં આવ્યું છે. એટલે કાર્યપાલક ઈજનેર જે. એન. સોલંકીનો સંપર્ક સાધતાં તેમણે પણ સમર્થન આપ્યું હતું. વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, રૂા. 30 કરોડ રાજ્ય સરકારે મંજૂર કર્યા છે. તાંત્રિક મંજૂરી પણ મળી ગઈ છે ને ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે. પી.જી.વી.સી.એલ. કચેરીથી થઈને કલેક્ટર કચેરીથી આગળ પૂરો થાય એવો અંદાજે 900 મીટરનો એટલે કે એકાદ કિલોમીટરથી પણ લાંબો આ પુલ નિર્માણ પામનાર છે. શ્રી સોલંકીએ જણાવ્યું હતું કે, જેની પહોળાઈ 10 મીટરની હશે. અત્યારે ખાનગી કન્સલટન્સી પાસે ડ્રોઈંગ વગેરે બનાવવાનું કામ ચાલુ છે. ડ્રોઈંગના આધારે સરકાર પાસેથી પરવાનગી લઈને ટેન્ડર બહાર પાડવામાં આવશે. સંભવત: દિવાળી પછી કાર્યવાહી શરૂ થાય તેવી તેમણે શક્યતા વ્યક્ત કરી હતી. મળેલી વિગતો પ્રમાણે હજુ તો માત્ર મંજૂરી મળી છે ને વિરોધ પણ શરૂ થઈ ગયો છે. ઘણા બધા વેપારીઓ તથા વેપારી એસોસીએશને ઓવરબ્રિજ સામે વાંધો ઉઠાવ્યો છે. જ્યુબિલી ગ્રાઉન્ડનું આ સ્થળ એટલે ન માત્ર ભુજવાસીઓ નહીં કચ્છભરમાંથી કોઈ ભુજ આવતું હોય તો તેને જ્યુબિલી ગ્રાઉન્ડ યાદ હોય છે, તેની એક અલગ જ ઓળખ છે. વિરોધ કરતા 50 જેટલા વેપારીઓએ પણ અરજી આપીને  કહ્યું છે કે, જ્યુબિલી ગ્રાઉન્ડની આસપાસ ધંધા-રોજગાર વિકસ્યા છે ને જો ઓવરબ્રિજ બની જાય તો દરેક વાહનો ઉપરથી નીકળી જશે ને ધંધા ભાંગી જશે. અહીં અત્યારે એવા કોઈ ટ્રાફિકના પ્રશ્નો ઊભા થતા નથી, ને ઓવરબ્રિજની જરૂર નથી તો શા માટે બનાવવામાં આવે છે. બીજી બાજુ, ધારાશાત્રી વિમલભાઈ મહેતા, જ્યુબિલી હાઉસિંગ કોલોની, ભાનુશાલી મહાજન, બેન્કર્સ કોલોની, વિજયનગર કોલોનીના રહેવાસીઓએ પણ વિરોધ નોંધાવ્યો છે.કેટલાક બિલ્ડિંગમાં રહેતા પરિવારોએ કહ્યું કે, જો પુલ નીકળે તો અમારા ઘરની સમાંતર નીકળશે જેનાથી રહેવું પણ મુશ્કેલ બની જશે. વિશેષમાં ભચાઉ અને ભુજોડી ઓવરબ્રિજનું કામ છેલ્લા આઠ વર્ષથી ટલ્લે ચડેલું છે. આ પુલની દશા જોતાં જો ભુજની વચ્ચો વચ્ચ આવી હાલત થશે તો વર્ષો સુધી ટ્રાફિકના પ્રશ્નો ઊભા થશે તેવી પણ ભીતિ વ્યક્ત થઈ હતી. સામે વિકાસને માનતા શહેરીજનોએ કહ્યું કે, ઓવરબ્રિજ થાય તો જ વિકાસ થશે અને આ તો ભવિષ્યની યોજનાઓ છે એ થવી જોઈએ.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer