ગાંધીધામના ભારતનગરમાં યુવાનની ખૂન્નસપૂર્વક હત્યા

ગાંધીધામના ભારતનગરમાં યુવાનની ખૂન્નસપૂર્વક હત્યા
ગાંધીધામ, તા. 1 : શહેરના ભારતનગર વિસ્તારમાં આવેલી ગીતાગ્રામ સોસાયટીમાં એક શખ્સે પોતાની ઓરડીમાં ભાડે રહેતા મૂળ અજમેર રાજસ્થાનના સુરેશ કશ્યપ (ઉ.વ. 40) નામના યુવાન ઉપર ખૂન્નસપૂર્વક છરીના ઘા ઝીંકી તેની હત્યા નીપજાવી હતી. પોલીસે આ શખ્સને રાઉન્ડઅપ કરી લીધો હતો. શહેરના ભારતનગર વિસ્તારમાં આવેલી ગીતાગ્રામ સોસાયટીમાં લોટ દળવાની ઘંટી પાસે આજે સાંજે હત્યાનો આ બનાવ બન્યો હતો. પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, અજમેરનો સુરેશ કશ્યપ નામનો યુવાન ગીતાગ્રામ સોસાયટીમાં ભરત આસમલ ફફલ (મહેશ્વરી)ના ઘરમાં બાજુમાં આવેલી ઓરડીમાં ભાડે રહેતો હતો. છેલ્લા પાંચેક વર્ષથી અહીં ભાડે રહેતો સુરેશ પોતાના વતન ગયા બાદ ફરીથી અહીં રહેવા આવ્યો હતો.ઓરડીમાં રહી ત્યાં જ સ્કૂટર રિપેરિંગ વગેરેનું ગેરેજનું કામ કરનાર આ યુવાન આરોપી એવા ભરતના ઘરની મહિલા સભ્યો ઉપર ખરાબ નજર નાખતો હતો. આરોપીના બહેન આજે ઘરે હતાં ત્યારે તેણે કુદૃષ્ટિ કરતાં તેણે પોતાના ભાઇ એવા ભરતને આ અંગે ફરિયાદ કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આજે સાંજે સુરેશ કશ્યપ અને તેનો મિત્ર અશોક ઓરડી પાસે મોપેડ (એક્ટિવા) ઉપર બેઠા હતા. તેવામાં ભરત ત્યાં છરી લઇને આવ્યો હતો અને સુરેશના ગળામાં ઘા ઝીંકી દીધા હતા. પોતાના ઉપર હુમલો થયા બાદ સુરેશ આરોપી એવા ભરત પાછળ દોડયો હતો. તેવામાં આરોપીએ બીજા ઘા ઝીંકી દીધા હતા. 7થી 8 ખૂન્નસપૂર્વકના ઘાને પગલે તરફડિયાં મારી સુરેશે ત્યાં જ દમ તોડી દીધો હતો. ચકચારી એવા આ બનાવને પગલે ડી.વાય.એસ.પી. શ્રી વાઘેલા, પી.આઇ. કે. પી. સાગઠિયા વગેરે બનાવ સ્થળે દોડી આવ્યા હતા. આ બનાવ બાદ આરોપીને રાઉન્ડઅપ કરી લેવાયો હોવાનું પોલીસે કહ્યું હતું. તેના વિરુદ્ધ ફરિયાદ નોંધવા, હથિયાર કબજે કરવા સહિતની આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી. ધમધમતા અને મધ્યમ વર્ગીય એવા ભારતનગર વિસ્તારમાં હત્યાના બનાવને પગલે ભારે ચકચાર પ્રસરી હતી.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer