8 કરોડના ખર્ચે બની રહેલો કેરા-નારાણપર માર્ગ 8 જગ્યાએ ફસક્યો, તંત્ર કહે છે; કાંઇ નથી !

8 કરોડના ખર્ચે બની રહેલો કેરા-નારાણપર માર્ગ 8 જગ્યાએ ફસક્યો, તંત્ર કહે છે; કાંઇ નથી !
કેરા (તા. ભુજ), તા. 1 : ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યે અંગત રસ લઇ મંજૂર કરાવેલા કેરા-ખત્રી તળાવ, આઠ કરોડનો માર્ગ ઠેકેદારના  નબળા કામના કારણે આઠ જગ્યાએ બેસી ગયાના આક્ષેપ પછી તંત્ર જાગ્યું, મુલાકાત લીધી, ખાડા પુરાવ્યા, છતાં અધિકારી કહે છે, છેડા બેઠા હતા, બાકી સારું  છે..!! કેરા-ખત્રી તળાવ વાયા નારાણપર ગામ વચ્ચે સાતેક કિ.મી.નો ડામર રસ્તો પહોળો કરવા સાથે નવી લેર પાથરવાનું કાર્ય પ્રગતિમાં છે. ગત બે દિવસ દરમ્યાન લોકોએ એવા આક્ષેપ સાથે તંત્રનું ધ્યાન દોર્યું હતું કે ઠેકઠેકાણે ડામર બેસી ગયો છે. આ સંદર્ભે માર્ગ-મકાન વિભાગના અધિકારી દર્શનાબેન ગોસ્વામીનો કચ્છમિત્રેઁ સંપર્ક કર્યો તો તેમણે કહ્યું, સાંધા બેઠા છે, રસ્તો બેઠો નથી, ગુણવત્તા સારી છે અને એજન્સીનું કાર્ય સારું છે. ગાંધીધામની એમ.ડી. રાજાણી એજન્સીને આ આઠ કરોડનું કામ 35 ટકા નીચાં ટેન્ડરે મળ્યું છે. બીજી બાજુ નારાણપરના જાગૃત નાગરિકોનો આક્ષેપ છે કે મહાદેવ પુલીયો, ચોવાટો, ગુરુકુળ, કુન્દનપર પુલીયો, ક્રિકેટ મેદાન, ધનજીબાપાની વાડી સહિત કુલ આઠ જગ્યાએ થોડા વરસાદે રસ્તો બેસી ગયો છે. સિમેન્ટ પેચ બેઠા છે. લોકો કહે છે; કામ નબળું છે, અધિકારી કહે છે; ગુણવત્તા સારી છે. સવાલ એ છે કે બધું સારું છે તો લોક ફરિયાદ પછી કાર્યપાલક ઇજનેર શ્રી સોલંકીએ સ્થળનું નિરીક્ષણ પછી ખાડા શા માટે પુરાવ્યા ? અત્રે ઉલ્લેખનીય છે કે આ માર્ગે ઓવરલોડ ખટારા 24 કલાક ઘમરોળે છે. ગામમ વચ્ચોવચ માર્ગ છે. નબળાં કામ સામે પૂર્વ તાલુકા પંચાયત સભ્યે હાઇકોર્ટમાં કેસ દાખલ કરવા તજવીજ હાથ ધર્યાનું જાણવા મળ્યું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer