ભુજની જી.કે. હોસ્પિટલમાં આધુનિક ત્રીરોગ વોર્ડ અને આઇ.સી.યુ. વિભાગનું લોકાર્પણ

ભુજની જી.કે. હોસ્પિટલમાં આધુનિક ત્રીરોગ વોર્ડ અને આઇ.સી.યુ. વિભાગનું લોકાર્પણ
ભુજ, તા. 1 : અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં નવનિર્મિત આધુનિક ગાયનેક વોર્ડ અને ગાયનેક આઈ.સી.યુ. વિભાગનું જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હોસ્પિટલ અને મેડિકલ કોલેજના ડાયરેક્ટર વી.એસ.ગઢવી, ચીફ મેડિકલ સુપરિ. ડો. એન.એન.ભાદરકા, મેડિકલ કોલેજના ડીન ડો. ગુરદાસ ખીલનાની, અધિક મેડિકલ સુપરિ. ડો. નરેન્દ્ર હીરાણી, ગાયનેક વિભાગના હેડ ડો. નિમિષ પંડ્યા, સિવિલ સર્જન ડો. કશ્યપ બૂચ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લા વિકાસ અધિકારી શ્રી  જોશીએ આધુનિક ગાયનેક વોર્ડ અને આઈ.સી.યુ. વિભાગને ખુલ્લા મૂકતાં જણાવ્યું હતું કે, `હોસ્પિટલના આ આધુનિક વોર્ડનો લાભ જિલ્લાના દૂરદરાજના વિસ્તારના લોકોને મળશે એવું કહી તેમણે ઉમેર્યું હતું કે, હોસ્પિટલમાં જે પ્રકારે  પ્રશંસનીય કાર્યવાહી થઇ રહી છે, ત્યારે હવે દરેક વિભાગમાં આધુનિક અભિગમ અપનાવવો જરૂરી છે, જેથી કચ્છના લોકોને પૂરતો લાભ મળે.'આ પ્રસંગે ડાયરેક્ટર વી.એસ.ગઢવીએ જણાવ્યું હતું કે, કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જી.કે. જનરલ હોસ્પિટલનું આરોગ્ય માળખું ભવિષ્યમાં સંભવિત કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ બને એ રીતે તૈયાર કરવામાં આવશે.નવનિર્મિત ગાયનેકવોર્ડ અને આઈ.સી.યુ. આ નવનિર્માણની શરૂઆત છે. નવનિર્મિત ગાયનેક જનરલ વોર્ડમાં 35 બેડ તૈયાર કરવામાં આવ્યા છે, ઉપરાંત 3 સ્પેશિયલ રૂમ અને 2 ડિલક્ષ રૂમની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. જનરલ વોર્ડમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય એ રીતે બેડ ગોઠવવામાં આવ્યા છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer