મનફરા વિસ્તારમાં સસલાના શિકારના ફોટા થયા વાયરલ

મનફરા વિસ્તારમાં સસલાના શિકારના ફોટા થયા વાયરલ
ભુજ, તા. 1 : કચ્છના અલગ અલગ વિસ્તારમાં શિકારી પ્રવૃત્તિના સમાચારો પ્રકાશમાં આવી રહ્યા છે, ત્યારે વધુ એક શિકારી પ્રવૃત્તિનો કિસ્સો વાયરલ થયો છે. જેમાં ત્રણથી ચાર સસલાઓનું મારણ કરીને ઘેર લાવી તેની ખાલ ઉતારી રહેલા ત્રણ લોકો જોવા મળે છે. તેઓના બેકગ્રાઉન્ડમાં ઘર દેખાય છે. સંભવત: આ ફોટો છે ભચાઉ તાલુકાનાં મનફરા ગામનો જે લોકો શિકાર કરીને ત્રણથી ચાર સસલાની બેરહેમીપૂર્વક ખાલ ઉતારી રહ્યા છે. આના પરથી શંકા જાય છે કે  આ વિસ્તારમાં બેરોકટોક શિકારી પ્રવૃત્તિ થતી હશે અને પોલીસ તથા વનતંત્ર ઊંઘતું રહે છે. વિશ્વાસપાત્ર સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં અવારનવાર આ લોકો આવી શિકારી પ્રવૃત્તિ કરે છે. માથાભારે લોકો હોવાથી કોઇ કાંઇ કહી શકતું નથી. વર્તુળોના જણાવ્યા પ્રમાણે બે-ત્રણ દિવસ પહેલાં પોલીસ પણ આ લોકોના ઘેર આવી હતી, પણ શા માટે?  એકસાથે ચાર સસલાનો થયેલો શિકાર આબાદ રીતે ફોટોમાં જોઇ શકાય છે. શું વનતંત્ર સુધી આ વાયરલ થયેલા ફોટો નથી પહોંચ્યા. જો ઊંડી તપાસ થાય તો શિકાર શેના વડે કરાયો, કોઇ હથિયાર ઉપયોગમાં લેવાયા કે કેમ ? વગેરે વિગતો બહાર આવી શકે છે. કડોલ, મનફરા, ચોબારી, એકલ, ભરૂડિયા વગેરે ગામોના સીમાડામાં ચિંકારાના શિકાર પણ થતા રહે છે ત્યારે આ સમયે આ કિસ્સો આંખ ઉઘાડનારો છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer