`લોકલ ફોર વોકલ''ને ઉત્તેજન આપતી ભુજની વાણિયાવાડ બજારની ખરીદી યોજનાનો પ્રારંભ

`લોકલ ફોર વોકલ''ને ઉત્તેજન આપતી ભુજની વાણિયાવાડ બજારની ખરીદી યોજનાનો પ્રારંભ
ભુજ, તા. 1 : શહેરની હાર્દસમી વાણિયાવાડ બજારમાં મોનસૂન ધમાકા ઓફર્સ આપતી યોજનાનો પ્રારંભ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ કરીને આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના `લોકલ ફોર વોકલ'ના નારાને ઉત્તેજન આપતી આ સ્કીમ વેપારી અને ગ્રાહકો બંને માટે લાભદાયી બની રહેશે. વાણિયાવાડ વેપારી એસોસિએશનની આ સ્કીમના પ્રારંભ પ્રસંગે ભુજના નગર અધ્યક્ષા લતાબેન સોલંકીએ જણાવ્યું હતું કે, લોકડાઉન પછી વેપારીઓનું આ સામૂહિક કદમ બજારને  પુન: ધમધમતી કરશે. આ અવસરે નગરપાલિકાના ચેરમેન ભરતભાઇ રાણા, ભુજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ?ફેડ.ના પ્રમુખ અનિલભાઇ ગોર, મીડિયા પાર્ટનર કચ્છમિત્રના તંત્રી દીપકભાઇ માંકડ,  ભુજ બુલિયન એસો.ના પ્રમુખ ભદ્રેશભાઇ દોશી, આ જ વિસ્તારના વેપારી અને ભુજ શહેર ભાજપ પ્રમુખ નવીનભાઇ લાલન હાજર રહ્યા હતા. ધીરેનભાઇ લાલને મહેમાનોને આવકાર આપ્યો હતો. ત્યારબાદ કોરોના સામે વિશ્વમાં શાંતિ થાય અને ચીન બોર્ડર ઉપર શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી બે મિનિટનું મૌન  રાખવામાં આવ્યું હતું. વાણિયાવાડ એસો. વતી કમિટી મેમ્બર સ્મિત ઝવેરીએ આ સ્કીમ અંગે વિગતો આપી હતી. આ પ્રસંગે  ભુજ ચેમ્બર પ્રમુખ શ્રી ગોરે જણાવ્યું હતું કે, અંદરો અંદર હરીફાઇ કરવાને બદલે  એકબીજાને સપોર્ટ કરવાની વેપારી મિત્રોની આ પહેલ સાચા અર્થમાં સફળ બની રહી છે. દીપકભાઇએ પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે  વિનોદભાઇ ચાવડા દ્વારા  ગરીબોને રાશનકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં તળાવશેરી તથા અનમ રિંગરોડના વેપારી અગ્રણીઓ હાજર રહ્યા હતા. બજારના 70 વર્ષથી મોટી ઉંમરના વેપારી વડીલોના આશીર્વાદ મેળવી તેમના જ હાથે કુપન બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે  અતુલભાઇ વોરા, સંદીપ શાહ, પુનિત શાહ, રાજેશ મહેતા, અતુલ પટવા, કલ્પેશ ઠક્કર, સુરેશ મહેતા, હર્ષ સંઘવી, બિપીન શાહે વ્યવસ્થા સંભાળી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિરલ શેઠે અને આભારવિધિ કૈલાસ ત્રેવાડિયાએ સંભાળ્યાં હતાં. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer