ચાતુર્માસ પ્રવેશે સવા કરોડનું દાન જાહેર

ચાતુર્માસ પ્રવેશે સવા કરોડનું દાન જાહેર
કોડાય (તા. માંડવી), તા. 1 : જૈન તીર્થધામ આદીશ્વર બૌંતેર જિનાલયના આંગણે અચલ-ગચ્છાધિપતિ આચાર્ય ગુણોદયસાગરસૂરિશ્વરજી મ.સા. આદિ ઠાણા-9નો ચાતુર્માસ પ્રવેશનો કાર્યક્રમ યોજાયો હતો. રવિલાલ ઠાકરશી સંગોઇએ ઇલેકટ્રોનિક પ્રસારણ માધ્યમના સહારે પ્રાસંગિક પ્રવચન કરતાં જૈનાચાર્યના ચાતુર્માસ પ્રવેશ પ્રસંગને અનુમોદિત કર્યો હતો. પ્રસંગોચિત પ્રવચન કરતાં સૂરિમંત્ર સમારાધક, જૈનાચાર્ય વીરભદ્રસાગરસુરિશ્વરજી મ.સા.એ ગુરુવંદનાના ભાવ સાથે ભૌતિક સત્તા કરતાં અધ્યાત્મ સત્તા મહાન છે એમ જણાવી નીજ ગુરુદેવની સરાહના કરી ટ્રસ્ટની વૈયાવચ્ચ ભક્તિનીય અનુમોદના કરી હતી. મુનિ ભાગ્યોદયસાગરજીએ `આત્મનિર્ભરતા'ના વર્તમાન સૂત્રને લઇ અધ્યાત્મ જગતની વ્યાખ્યા કરી ધર્મ જ મહાન છે ને માનવ જીવન આત્મકલ્યાણ માટે મળે છે એમ કહ્યું હતું. જૈનોના તીર્થધામ શેત્રુંજય-પાલિતાણા ખાતે સાંદીપની વિદ્યામંદિરની શૈક્ષણિક પ્રવૃત્તિનો પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ જગશી છેડાના હસ્તે દીપ પ્રાગટય કરી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. પ્રાથમિક-માધ્યમિક સ્કૂલના શુભારંભ અવસરે ગુરુભક્ત પરિવારો સંઘમાતા ભારતીબેન ભાગચંદ જૈન, શાંતિજિન જાગૃતિ ગ્રુપ-કચ્છ, માતા ધનલક્ષ્મીબેન ચંદ્રકાંત લાલકા વાડાપદ્ધર, હેમલતાબેન ભવાનજી ગોસર દેવપુર, અજય લીલાધર ગાલાના શ્રેયાર્થે માતા ધનબાઇ લીલાધર ગાલા શેરડી, માતા રતનબેન વલ્લભજી વેરશી હરિયા શેરડી, અંબેધામ પરિવાર ગોધરા, માતા લક્ષ્મીબેન રાયચંદ કાનજી ધુલ્લા પરિવાર સુથરી તથા અ.સૌ. શીલાબેન કુંવરજી ઠાકરશી છેડા આદિ પરિવારો તરફથી પાઠયપુસ્તકો, નવનીત ગાઇડો, નોટબુકો તથા સ્કૂલ બેગ વગેરે માટે નવ લાખ જેવી માતબર રકમનું દાન આપવામાં આવ્યું હતું. સ્કૂલ નિર્માણ માટે એક સદગૃહસ્થ પરિવાર તરફથી સવા કરોડના દાનની જાહેરાત કરવામાં આવી હતી. મુનિ પ્રિયંકરસાગરજીએ ભાવાંજલિ માટે અનુરોધ કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન ચંદ્રકાંતભાઇ દેઢિયાએ કર્યું હતું. વિદ્યાચંદ્રજી મ.સા. પંન્યાસ ભક્તિરત્નવિજયજી મ., યતિવર્ય મોતીસાગરજી મ.સા. તથા આગેવાનો અમૂલ દેઢિયા, પ્રબોધભાઇ મુનવર, હીરાચંદ છેડા, મહેન્દ્ર પાસડ હાજર રહ્યા હતા. જૈનાચાર્યો સાથે મુનિ રાજરત્નસાગરજી મ. આદિઠાણા નવ તથા 16 સાધ્વીજીએ ચાતુર્માસ પ્રવેશ કર્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer