ચાતુર્માસ એટલે આરાધના, જપ-તપ કરવાનું પર્વ જે સદ્ગતિના દ્વાર ખોલે

ચાતુર્માસ એટલે આરાધના, જપ-તપ કરવાનું પર્વ જે સદ્ગતિના દ્વાર ખોલે
ભુજ, તા. 1 : ભુજ ક.વી.ઓ. જૈન સંઘ સંચાલિત નવનીતનગર/કોવઈનગરમાં અચલગચ્છાધિપતિ ગુણસાગરસૂરિશ્વરજી મ.સા.ની કૃપાથી ગુણોદયસાગરસૂરિશ્વરજી મહારાજાના આજ્ઞાનુંવર્તીની અક્ષયગુણાશ્રીજી મ.સા.ના શિષ્યા સાધ્વી દેવપૂર્ણાશ્રીજી મ.સા. અને સાધ્વી કિરણકલાશ્રીજી મ.સા. આદિ ઠાણા બેનો ચાતુર્માસ પ્રવેશ લોકડાઉનના નિયમોને અનુસરીને સાદાઈથી યોજાયો હતો.આ પ્રસંગે સંઘના ચેરમેન તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં કોરોના મહાબીમારી હોવાથી અન્ય કોઈ ચડાવા વગેરે લેવામાં આવ્યા ન હતા. આ મહામારીના સમયમાં આપણા જૈન સાધર્મિક પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ત્યારે મુંદરા તાલુકાના બારોઈ મુકામે રહેતા પાંચ જણાના એક પરિવારના મોભીનું અવસાન થતાં તેના પરિવાર ઉપર આવી પડેલી આફતમાં મદદરૂપ થવા માટે દાનની અપીલ કરતા તુરંત જ રૂા. 30,000નું દાન એકત્ર થયું હતું. સંઘના ચેરમેન શ્રી છેડા અને મેનેજિંગ ટ્રસ્ટી સુરેન્દ્રભાઈ સાવલાના હસ્તે સાધ્વીવૃંદને  સૂત્ર ગ્રંથ અર્પણ કરવામાં આવ્યો હતો. સંઘ દ્વારા મ.સા.ની ગુરુવંદના કરવામાં આવી હતી. આ પ્રસંગે મ.સા.એ જણાવ્યું હતું કે, ચાતુર્માસ એ આરાધના અને તપ, જપ કરવાનું, સદ્ગતિના દ્વાર ઉઘાડવાનું પર્વ છે. સમૂહ તપ, જપ તથા આરાધના દ્વારા જ મોક્ષની પ્રાપ્તિ થાય છે અને કોરોના મહાબીમારી જેવા રોગો પણ નષ્ટ થાય છે. સંઘના ટ્રસ્ટી સુરેન્દ્રભાઈ સાવલા, લહેરીભાઈ છેડા, કિરણભાઈ કક્કા, ધીરેનભાઈ પાસડ, મહાજનના ટ્રસ્ટી ગિરીશભાઈ છેડા, હરેશભાઈ ગોગરી, હિરેનભાઈ પાસડ, કેશવજીભાઈ હરિયા, રાજેશભાઈ સંગોઈ અને સમાજના લોકો હાજર રહ્યા હતા. સંચાલન અને આભારવિધિ ટ્રસ્ટી હરેશભાઈ ગોગરીએ સંભાળ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer