ગુરુપૂર્ણિમાએ સંગીત ક્ષેત્રના બે કલાગુરુનું ભુજમાં સન્માન

ગુરુપૂર્ણિમાએ સંગીત ક્ષેત્રના બે કલાગુરુનું ભુજમાં સન્માન
ભુજ, તા. 1 : રંગમંચ અને લલિતકલાઓને સમર્પિત કલા સંસ્થા સંસ્કાર ભારતી શહેર સમિતિ દ્વારા ગુરુપૂર્ણિમાના દિને ગુરુ-શિષ્ય પરંપરા અંતર્ગત આગામી તા. 5 જુલાઇના સંગીત ક્ષેત્રના બે કલાગુરુઓનું તેમના નિવાસસ્થાને સન્માન કરવામાં આવનારું છે. આ કલાગુરુઓ પૈકી 83 વર્ષીય એલ. એન. ગઢવી સંગીત શિક્ષક તરીકે અંધજનો માટે પ્રેરણારૂપ બની શાળાના ક્ષેત્રમાં અનેક વિદ્યાર્થીઓને સંગીતનું શિક્ષણ આપ્યું છે અને નેત્રહીનોને સરકારી કે અર્ધ-સરકારી નોકરી મળે તે માટે  તેમણે અથાગ પ્રયત્ન કર્યા જેમાં સફળ રહ્યા હતા. તેમણે અંધકલ્યાણ સમિતિની સ્થાપના માટે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. સંગીત અલંકાર સુધીનું શિક્ષણ મેળવ્યું છે. બીજા કલાગુરુ 81 વર્ષીય તનસુખ પરમાર તિજોરી કચેરીના નિવૃત્ત કર્મી છે. સંગીત ક્ષેત્રે તેમના દ્વારા 36 વર્ષ સુધી યુવક મહોત્સવમાં રિધમના સથવારે સેવાઓ આપાઈ છે. રાજ્યકક્ષાએ લોકવાદ્ય સંગીતમાં પ્રથમ રહ્યા હતા. જિલ્લાકક્ષાએ પણ અનેક શિલ્ડ તેમણે મેળવ્યા. આકાશવાણી સાથે પણ સંગીતમાં ઢોલ, નાલ  અને રિધમના કાર્યક્રમો કર્યા. ભુજની સાંનિધ્ય સંસ્થામાં પણ સુગમ સંગીતમાં રિધમના સહકલાકાર તરીકે કામ કર્યું. ભુજની તમામ જાણીતી શિક્ષણ સંસ્થાઓમાં તેમણે ગરબા, લોકવાદ્યો અને લોકસંગીતમાં કલાકાર તરીકે માર્ગદર્શન આપ્યું હતું.સંસ્કાર ભારતી દ્વારા ભારતીય સંસ્કૃતિની પ્રણાલિકા મુજબ કલાકારોના નિવાસે આસોપાલવના તોરણ બંધાશે. ઘરે રંગોળી કરી પૂજન કરી મોમેન્ટો અર્પણ કરાશે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer