ભુજના હોસ્પિટલ રોડ પર ઉભરાતા ગટરનાં પાણીની સમસ્યાની દવા કરવા માંગ

ભુજના હોસ્પિટલ રોડ પર ઉભરાતા ગટરનાં પાણીની સમસ્યાની દવા કરવા માંગ
ભુજ, તા. 1 : શહેરના હોસ્પિટલ રોડ પર વારંવાર વહી નીકળતાં ગટરના પાણીને પગલે રાહદારીઓ, વાહનચાલકો મુશ્કેલીમાં મુકાય છે. અનેક હોસ્પિટલો અહીં આવેલી છે ત્યારે તેમાં આવતા દર્દીઓની હાલત વધુ કફોડી બની જતી હોવાની ફરિયાદો ઊઠી રહી છે. ભુજમાં ગટરલાઇન મરંમતના કામોની જાણે સિઝન હોય તેમ ઠેકઠેકાણે આ સમસ્યા હલ કરવા ખોદાણ ચાલુ છે. લાઇનો મરંમત પાછળ લોકો માટે ફાળવાતા કરોડો રૂપિયાનું આંધણ થઇ રહ્યું છે તેમ છતાં સમસ્યા ઉકેલાવાનું નામ નથી લેતી. ધણીધોરી વિનાનું સુધરાઇ તંત્ર હોય તેમ કોઇ આ સમસ્યા  કુદરત સર્જિત છે કે, માનવ સર્જિત તેની તપાસમાં કોઇને રસ નથી તેવું જાગૃત શહેરીજનોને લાગી રહ્યું છે.હાલમાં જ અનેક હોસ્પિટલો આવેલી છે તેવા હોસ્પિટલ રોડ જેવા પોશ વિસ્તારમાં ભુજ ઇંગ્લિશ સ્કૂલ પાસે છેલ્લા ચારેક દિવસથી ગટર ઊભરાતાં પાણી માર્ગો પર વહી રહ્યાં છે. અગાઉ પણ આ જ ગટર મરંમત પાછળ નાણાં ખર્ચાઇ ચૂક્યા છે પરંતુ સમસ્યા હલ નથી થતી.સૂત્રોના જણાવ્યા અનુસાર પાટવાડી નાકા બહાર થોડા મહિના પહેલાં જ ગટરના પાઇપો નખાયા હતા ત્યાં ફરી લાઇનો બેસી જતાં મોટા ખાડા ખોદાતાં રહેવાસીઓને ઘરથી બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે.  થોડા દિવસો પહેલાં લેવા પટેલ હોસ્પિટલ નજીક ત્યારબાદ નૂતન સ્વામી. મંદિર માર્ગે ગટર ખોદાણી અને હજુ આવનારા દિવસોમાં અન્ય વિસ્તારોમાં આ સિલસિલો ચાલુ જ રહેશે તેવી ટીખળ કરી જાગૃત નાગરિકોએ જણાવ્યું કે, સુધરાઇનું તંત્ર ભુજને સુધારવાને બદલે બગાડી રહ્યું છે.    

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer