વિખેડા કઢેલા ભા ઓજાર રાસ કરાયું...

વિખેડા કઢેલા ભા ઓજાર રાસ કરાયું...
ઉમર ખત્રી દ્વારા-  મોટી વિરાણી, તા. 1 : કચ્છની જીવાદોરી જેના પર આધારિત છે એવો ધરતીનો લાડોએ આ વખતે જેઠ માસમાં જ ધમાકેદાર એન્ટ્રી કરતાં જ્યાં વરસાદ પ્રમાણસર થયો તે વિસ્તારના જગતના તાત આ વખતે ચોમાસું વહેલું આવશે એવા અણસાર વચ્ચે `જેઠિયો મીં પોણીઠી જો પુતર' ગણાવી સારા શુકન સાથે ખેતરોને સાફ સફાઈ સાથે વિખેડા કાઢવા ખેતી આધારિત સાધનોને સજાવવા કામે લાગી ગયા છે. સામાન્ય રીતે કચ્છી લોકો આમ તો આષાઢી બીજ પછી સારો વરસાદ થાય, પછી વરસાદી ખેતી કરતા ખેડુઓ પોતાના ખેતરની વાટ પકડે, પણ આ વખતે વાવાઝોડાંને કારણે થયેલા વરસાદથી ખેતરો ખેડવા લાયક થઈ ગયા છે. મહિનાઓથી બંજર પડેલાં ખેતરોમાં ઝાડી, ઝાંખરાને હટાવી, રસ્તા, સેઢામાં આવતા ઝાડીના ઝૂંડો સાફ કરી સાફસુથરા કરી રહ્યા છે. તો ખેતરોમાં ખેડ કરવાના સાધનો જેવા કે દાંતિ, રાપ, હળ, ઓયણી, વાવણિયો વગેરે કારીગરો પાસે પાના કઢાવવા પણ ભીડ જામી રહી છે. ઘણા સમયથી વરસાદી ખેતીવાળા ખેતરોમાં ગાંડા બાવળ, નકામી ઝાડીઓ ઊગી નીકળી હતી તેને કાઢવા જગતનો તાત મથામણ કરી રહ્યો છે. ટ્રેક્ટરથી ખેડ માટે દાંતિ (કલટી), રાપ, હળ જ્યારે કઠોર વાવવા ઓયણી, ભૂતડી વાવણી કરવા વાવણિયો વગેરેને સજાવવા કારીગરો વ્યસ્ત બન્યા છે. કયાંક ટ્રેક્ટર તો ક્યાંક બળદથી ખેતરમાં ખેડ થઈ રહી છે. ગત અઠવાડિયામાં જે વિસ્તારમાં વરસાદ થયો છે તે વિસ્તારમાં ખેડ ચાલુ થઈ ગઈ છે. પ્રથમ વરસાદે ખેતરોમાં ખેડ થાય અને બીજા વરસાદે વાવણી થાય, એવું મોટી વિરાણીના ખેડૂત મણિલાલભાઈ મુખી તથા પસુભાઈ પટેલે કહ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer