બાયોડીઝલના નામે વેચાતો 47 હજાર લિ.ગેરકાયદે જથ્થો જપ્ત

ભુજ, તા. 1 : કચ્છમાં ભેળસેળ કરીને ગેરકાયદે વેચાતા પેટ્રોલિયમ જથ્થાની વહીવટી તંત્રને માહિતી મળતાં આજે રાત્રે કોઇપણ જાતની આગોતરી જાણ કર્યા વગર છ?ટીમો ઉપડી પડતાં ભુજ તાલુકાના પાંચ સ્થળે દરોડો પાડીને અંદાજે 30 લાખની કિંમતનો 47 હજાર લિટર ગેરકાયદે જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આસિ. કલેક્ટર મનીષ?ગુરવાણીએ આ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, અમને એવી બાતમી મળી કે ભુજ તાલુકાના અલગ-અલગ સ્થળોએ હાઇવે પર ભેળસેળ કરેલા પેટ્રોલિયમ જથ્થાનું ગેરકાયદે વેચાણ થઇ રહ્યું છે. નાયબ કલેક્ટરની કચેરીના અધિકારીઓ, મામલતદાર, પુરવઠા અધિકારી, નાયબ મામલતદાર કક્ષાએ અલગ-અલગ છ ટીમો બનાવી પોલીસને સાથે રાખી છાપો મારવામાં આવતાં પદ્ધર, કુકમા, ધાણેટી, શેખપીર અને ભુજોડી ખાતે મિલાવટવાળા પેટ્રોલ-ડીઝલના જથ્થાનું વેચાણ ચાલતું હોવાથી તુરંત કાર્યવાહી હાથ?ધરવામાં આવી હતી. ધાણેટી પાસે શિવશક્તિ બાયોડીઝલ, ભુજોડીમાં ગ્રીન ગુજરાત બાયો ફ્યુલ, પદ્ધરમાં શ્રીહરિ, કુકમામાં આરાધના ફ્યુલ, કુકમામાં દ્વિજા ફ્યુલ સામે કાર્યવાહી થઇ હતી. ગુજરાત બાયોડીઝલના નામે રીતસર પેટ્રોલના પંપ લગાવીને પેટ્રોલિયમ પેદાશોનું વેચાણ ચાલતું હતું. ક્યાંય કોઇ લાયસન્સ નહીં, ધોરીધરાર ગેરકાયદે ચાલતા આ પાંચ સ્થળોએ 47 હજાર લિટરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હોવાનું શ્રી ગુરવાણીએ જણાવ્યું હતું. રાત્રે 11 વાગ્યા સુધી આ પાંચ સ્થળોએ પેટ્રોલિયમ પેદાશનો જથ્થો તેમજ સાધન સામગ્રી વગેરેને સીઝ કરીને  કાયદાકીય કાર્યવાહી ટીમો દ્વારા કરવામાં આવી રહી હતી. ભુજથી દુધઇ કે અંજાર જતા માર્ગે ચાલતા આ પ્રકારના ગેરકાયદેસરના ધંધાર્થીઓમાં ધાક બેસાડતી કાર્યવાહીને પગલે ફફડાટ ફેલાયો હતો. રીતસર બાયોડીઝલના પાટિયા લગાડીને વાહનચાલકોના વાહનોમાં ઇંધણ ભરી દેવાનું કૌભાંડ ચાલતું હતું તે પકડી પાડવામાં આવ્યું હતું. કચ્છમાં બાયોડીઝલના નામે ભુજ આસપાસ અબડાસા, માંડવી આમ અલગ-અલગ સ્થળોએ પણ આવા આઉટલેટ શરૂ કરવામાં આવ્યા છે. જો પકડાયેલા આ પાંચ આઉટલેટ ગેરકાયદે નીકળ્યા છે તો કચ્છમાં બાકીના સ્થળોએ પણ જો તપાસ ટીમો ત્રાટકે તો ખબર પડે કે સાચા છે કે ખોટા ? કારણ કે, આજે આ પકડાયેલા 47 હજાર લિટરના જથ્થાની પ્રાથમિક કિંમત રૂા. 30 લાખ અંદાજવામાં આવી હતી. આજની આ કાર્યવાહીમાં ખુદ શ્રી ગુરવાણી, પુરવઠા અધિકારી રીના ચૌધરી, મામલતદાર શ્રી સુમરા, ના.મા. કે. સી. સુથાર, પી.જી. સોલંકી, અરુણ રાઠોડ, એલ.બી. ડાભી, એમ. જી. ગુર્જર, મોહિતસિંહ ઝાલા, હરપાલસિંહ વાઘેલા, નિખિલ ટાંક વગેરે ટીમોમાં જોડાયા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer